દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા સાથે પોલીસ તંત્રએ ધુળેટી પર્વ ઉજવ્યું

દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા સાથે પોલીસ તંત્રએ ધુળેટી પર્વ ઉજવ્યું

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૫
ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં ભગવાનના દર્શને આવતા ભક્તો સાથે રંગો ઉડાડી રંગોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ ગેરિયાના ભાવથી ભક્તો સાથે રંગે રમે છે. અને વ્રજમાં હોળી રમવાનો ભાવ પ્રગટ થાય છે. તમામ ભક્તોને પૂજારી દ્વારા રંગો ઉડાડી ભરવામાં આવે છે. આ સિલસિલો ફૂલડોલ ઉત્સવ સુધી ચાલુ રાખવાની પરંપરા છે. આરતી દરમ્યાન ઢોલ નગારાના તાલે રંગે ચંગે ભાવીકો કલરથી ભરાઇને ધન્યતા અનુભવે છે. છેલ્લા દિવસોમાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ૨૦૦૦ જેટલા જવાનો ખડેપગે રાખવામાં આવ્યા હતા. દરેક રસ્તાઓ પર ટ્રાફિક પોઇન્ટ સાથે અનેક રોડ રસ્તાઓને વન-વે કરી, વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મંદિર અંદર અને બહાર બેરીકેટીંગ તથા સીસી કેમેરા સહીત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દ્વારકા આવતા પદયાત્રીઓની સંખ્યા વધતી રહેતી હોય, સમગ્ર દ્વારકા શહેરમાં માનવ કીડિયારૂ ઉભરાયું હતું. આ વખતે હોળી બીજી તારીખે અને ધુળેટી ત્રીજી તારીખે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન ઉજવાયો હતો. ભગવાનને છેલ્લા સાત દિવસથી સફેદ વાઘાના શૃંગાર થતા હોય, ત્યારે મંગળવારે ફૂલડોલના દિવસે ચાંદીની પિચકારીમાં કેસૂડાંના ફૂલનું પાણી અને અબીલ ગુલાલની છોળો ખેલૈયા સાથે ભગવાન અને પુજારીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો હતો. રાજ્યના મોટા ભાગના મંદિરમાં ૩ તારીખે પંચાંગ મુજબ ઊંઘ્યાત તિથિ એ નક્ષત્ર મુજબ રંગોત્સવ એટલેકે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. દ્વારકામાં ‘ઉડે રે ગુલાલ...‘ ના ગીતો સાથે ગલીગલી માં પદયાત્રીઓના સમૂહ ફાગણી પૂનમ અને ફૂલડોલ ઉત્સવમાં પાંચ લાખથી વધુ લોકો ધન્યતા અનુભવતા પોતાની પદયાત્રા પૂર્ણ કરી ભાવિકો રમ્યા રંગે કાના સંગ. દ્વારકાધીશ જગત મંદિરમાં આજે ફુલ ડોલ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. અબીલ ગુલાલની છોળો વચ્ચે પૂજારીઓ અને ભાવિકો વચ્ચે ઉડ્યો હતો ગુલાલ... દ્વારકાના જગત મંદિરમાં મંગળવારે ફૂલડોલ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. ભાવિકો, સ્થાનિકો, પદયાત્રીઓ અને પૂજારી પરિવાર દ્વારા મંદિર પરિસરમા રંગોની હોળી ખેલી હતી. બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી સાથે જ ભગવાન દ્વારકાઘીશ મંદિરમાં ઢોલ-નગારા સાથે ભગવાનની બંને બાજુઓ પર રંગોની પોટલી અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. ભક્તો જાણે કે ભગવાન સાથે રંગે રમ્યાંનો ભાવ તમામ ભાવિકોમાં નજરે ચડ્યો હતો. દ્વારકાધીશ જગત મંદિરનું પ્રાંગણ અબીલ ગુલાલની છોળોથી ભરાઇ ગયું હતું. ભાવિકો - પ્રવાસીઓ સહેલાણીઓ આજે રંગે રમી અલભ્ય ફૂલ ડોલ દર્શનનો લાભ લીધો હતો. તેમાં પણ દ્વારકાવાસીઓ આજે જગત મંદિરમાં રંગે રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. સાથે પોલીસ સુરક્ષા કર્મીઓ પણ રંગે રમ્યા હતા. અને ફરજ સાથે ભક્તિના માહોલમાં રમી ફરજ નિભાવી હતી અને મન મુકીને કાળીયા ઠાકોર સંગ રંગે રંગાયા હતા. આ ઉત્સવમાં દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી સાગર રાઠોડ, પ્રાંત અધિકારી, મામલતદારએ પણ જોડાઇ, ભક્તો સંગ ફૂલડોલ ઉત્સવ રમ્યા હતા. ફૂલડોલ ઉત્સવ પુર્ણ થયે એસપી જયરાજસિંહ વાળાએ જગતમંદિર દેવસ્થાન સમિતિના કર્મચારીઓ, પુજારી પરિવાર, સ્વયંસેવકો તથા સતત ખડે પગે તૈનાત તમામ પોલીસ  સ્ટાફના કાર્યને બિરદાવ્યો હતો.

મંદિર નજીક પોલીસ અધિકારી - સ્ટાફ રંગે રમ્યો

દેશના છેવાડાના અને વિશ્વવિખ્યાત તીર્થક્ષેત્ર દ્વારકામાં બીજા નંબરના સૌથી મોટા પર્વ એવા હોળી - ધુળેટી ઉત્સવમાં પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા તેમજ કામગીરી કાબિલે દાદ બની રહી હતી. આ દિવસોમા લાખોની સંખ્યામાં લોકો સમગ્ર દેશમાંથી અહીં આવ્યા હતા. મહત્વની બાબતો એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ આ ફૂલડોલ ઉત્સવ અંગેની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફને યોગ્ય માર્ગદર્શન તેમજ સ્ટાફની નિષ્ઠા ઉગી નીકળી હતી. દરરોજ અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. આ ફૂલડોલ ઉત્સવ મંગળવારે બપોરે વિધિવત રીતે સંપન્ન થયો છે અને અનોસર બાદ મંદિરની સાફ-સફાઈ સહિતની મહત્વની કામગીરી પૂર્ણ થઈ ગયા પછી સાંજે પોલીસ સ્ટાફ તથા જવાનોએ મ્યુઝિક સિસ્ટમ સાથે મંદિર નજીક ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જેમાં પોલીસ અધિકારીઓ સહિતનો સુરક્ષા સ્ટાફ જોડાયો હતો. આ હોળી ઉત્સવ દરમિયાન વૃદ્ધ તથા બાળકો ગુમ થયા હોવાથી પોલીસે તેઓને શોધી કાઢ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા વૃદ્ધ અને દિવ્યાંગોને દર્શન કરાવવા માટે વ્હીલ ચેર સાથેનો પોલીસ સ્ટાફ ફરજ પર રહ્યો હતો. કિંમતી ગુમ થયેલા માલસામાનને શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. ઐતિહાસિક કહી શકાય તેટલી લાખોની પદયાત્રીઓ સહિત યાત્રાળુઓની જનમેદનીએ દર્શન તથા ફૂલડોલ ઉત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી સાથે પોલીસ તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.