સોમનાથ-પ્રભાસ ક્ષેત્રમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકના અનેક દર્શનીય સ્થાનો

સોમનાથ, ગુપ્તપ્રયાગ, માધવપુર અને જૂનાગઢ સહિત ગુજરાતમાં ર૦ બેઠકો : સોમનાથ ત્રિવેણી સંગમ સમીપ મહાપ્રભુજીની બેઠક ખાતે વલ્લભાચાર્યજીએ ભાગવતનું પારાયણ કર્યું હતું

સોમનાથ-પ્રભાસ ક્ષેત્રમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકના અનેક દર્શનીય સ્થાનો

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.13
ચૈત્ર વદ એકાદશીના પાવન દિવસે પાવનકારી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટય દિવસ છે. પ્રભાસ-પાટણના હિરણ, ત્રિવેણી સરીતા તીરે ગોલોકધામ સંકુલમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે. આ સ્થાને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સાત દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું અને સમગ્ર ભારતમાં આવી 84 બેઠકો છે જેમાંથી આ 65મી બેઠક છે. ગીર-સોમનાથના ઉના-દેલવાડા પાસે આવેલા ગુપ્ત પ્રયાગ ખાતે પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે જે 67મી બેઠક છે. જે સવંત 1566માં ગુપ્તપ્રયાગ આવ્યાનું મનાય છે. જૂનાગઢ ખાતે દામોદરરાય મંદિર પાસે પણ એક બેઠક આવેલી છે. તે સ્થળે પણ મહાપ્રભુજીએ ભગવત કથા કરેલ તે ૬૪મી બેઠક છે. માધવપુર ખાતે પણ ૬૬મી બેઠક આવેલી છે. મહાપ્રભુજીની ભારતમાં કુલ 84 બેઠકો છે જેમાંથી 20 બેઠકો ગુજરાતમાં છે. જેમાં સુરત, ભરૂચ, મોરબી, જામનગર, ખંભાળીયા, પિંડતારક, મુળ ગોમતા, દ્વારકા, ગોપી તળાવ, બેટ શંખોદ્વાર, નારાયણ સરોવર, જૂનાગઢ, પ્રભાસ-પાટણ, માધવપુર, ગુપ્ત પ્રયાગ, તગડી(અમદાવાદ), નરોડા અમદાવાદ, ગોધરા, ખેરાળુ, સિધ્ધપુરનો સમાવેશ થાય છે. સોમનાથ-પ્રભાસ વેરાવળમાં વલ્લભાચાર્ય જયંતિ નિમીતે ભકિતમય પરંપરાગત કાર્યક્રમો યોજાયા છે.