કેશોદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેશોદમાં તિરંગા યાત્રા યોજાઈ

કેશોદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

જૂનાગઢ, તા.૧૪
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત કેશોદ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં બોહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જાેડાયા હતા.
કેશોદ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શરદ ચોક ખાતે સરદાર પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ ત્રિરંગા યાત્રા સમાપન થઈ હતી. 
તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રાએ કેશોદ તાલુકામાં દેશભક્તિનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા સહિત વિવિધ અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં જાેડાયેલા સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિપૂર્ણ વાતાવરણ જાેવા મળ્યું હતું.