જૂનાગઢમાં ડિસેમ્બરથી FFS એપ દ્વારા મળશે ખાતર, હવે લાઈનમાં ઊભા રહેવાને બદલે મોબાઈલથી કરાવવું પડશે બુકિંગ
QR કોડ આધારિત ડિજિટલ વ્યવસ્થાથી ખાતર વિતરણ થશે વધુ પારદર્શક, બુકિંગ કર્યા બાદ 48 કલાકમાં ખાતર મેળવવું ફરજિયાત
જૂનાગઢ તા.25
જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ખાતર ખરીદવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં સબસિડીવાળા રાસાયણિક ખાતરનું વિતરણ નવી ડિજિટલ પદ્ધતિથી કરવામાં આવશે. હવે ખેડૂતોને ખાતર મેળવવા માટે સહકારી મંડળીઓ કે વિક્રેતાઓ પાસે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, પરંતુ પોતાના મોબાઈલ ફોન દ્વારા જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે.
ભારત સરકાર દ્વારા ખાતર વિતરણ વ્યવસ્થાને સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ‘ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ’ (FFS) નામની નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે આ પદ્ધતિ સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે ખેડૂતો એન્ડ્રોઇડ મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી FFS એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે.
નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતો પોતાના મોબાઈલથી જ જરૂરી ખાતરનું બુકિંગ કરી શકશે. એપ્લિકેશનમાં નજીકના કયા વિક્રેતા પાસે કયા પ્રકારનું ખાતર ઉપલબ્ધ છે તેની માહિતી પણ મેળવી શકાશે. બુકિંગ કર્યા બાદ ખેડૂતે 48 કલાકની અંદર સંબંધિત વિક્રેતા પાસેથી ખાતર ખરીદી લેવાનું રહેશે. જો નિર્ધારિત સમયગાળામાં ખાતર લેવામાં નહીં આવે તો બુકિંગ આપમેળે રદ થઈ જશે અને ખેડૂતે ફરીથી બુકિંગ કરાવવું પડશે. QR કોડ આધારિત પ્રક્રિયા દ્વારા ખાતર મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ ડિજિટલ પદ્ધતિથી ખેડૂતોને દુકાન પર પહોંચતા પહેલાં જ ખાતરના જથ્થાની ઉપલબ્ધતા જાણી શકાશે અને બુકિંગ કરાવેલું હોવાથી વિક્રેતા પાસેથી ઝડપથી ખાતર મેળવી શકશે. દરેક ખરીદીનો ડિજિટલ રેકોર્ડ પણ જળવાઈ રહેશે, જેના કારણે વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધવાની સાથે નકલી ખરીદદારો પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોને સરળતાથી ખાતર ઉપલબ્ધ કરાવવાનો તેમજ રાસાયણિક ખાતરની કાળાબજારી અને ખાતરની ખરીદી સાથે અન્ય ઉત્પાદનો ફરજિયાત આપવાની ટેગિંગ પ્રથા પર અંકુશ લાવવાનો છે. આ નવી વ્યવસ્થાના અમલીકરણને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લાના તમામ ખાતર વિક્રેતાઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. ખેડૂતોને એપ્લિકેશનના ઉપયોગ અથવા બુકિંગ પ્રક્રિયા અંગે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો તેઓ પોતાના ગ્રામ સેવક, ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરી શકે છે, તેવી અપીલ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, જૂનાગઢ દ્વારા કરવામાં આવી છે.


