જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હોળી-ધૂળેટી પર્વ ઉજવવા ભારે ઉત્સાહ

ધાણી, દાળીયા, ખજુર, કોપરા, પતાસાનું વેંચાણ-રંગબેરંગી કલર આકર્ષક પિચકારીથી બજાર ઉભરાયું

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હોળી-ધૂળેટી પર્વ ઉજવવા ભારે ઉત્સાહ

જૂનાગઢ તા. ૨૬
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આગામી હોળી-ધુળેટી પર્વ ઉજવવા લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહયો છે. બજારોમાં ધાણી, દાળીયા, ખજુર, કોપરૂનું વેંચાણ થઈ રહયું છે. તેમજ રંગબેરંગી કલર અને આકર્ષક પીચકારીથી બજાર ઉભરાયું છે.
હોળી અને ધુળેટી પર્વનાં આગમનની છડી પોકારતા હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. હોળાષ્ટકનો પ્રારંભ થવાની સાથે જ શુભ કાર્યોને બ્રેક લાગી જાય છે. જેની અસર વિવિધ બજારોમાં જાેવા મળે છે. બીજી તરફ આગામી હોળી-ધુળેટીનાં પર્વની તૈયારીનાં ભાગરૂપે બજારોમાં ખાસ કરીને ધાણી, દારીયા, ખજુર, ટોપરા તેમજ ખાંડ અને સાકરનાં હારડાનું પણ વેચાણ શરૂ થયું છે. તહેવારો એ મનુષ્ય જીવન માટે નવી ચેતના અને જીવનમાં ઉત્સાહ જગાવવાનું કાર્ય કરે છે. દરેક તહેવારો કંઈક ને કંઈક બોધ પાઠ આપે છે. હોળીનાં તહેવાર સાથે ભકત પ્રહલાદ અને હોલીકાની વાત સંકળાયેલ છે. હીરણ્ય કશ્યપ નામે અસુર રાજા થઈ ગયો તેના રાજયમાં ભગવાન, ઈશ્વરને માનવાની મનાઈ હતી પરંતુ તેના પુત્ર પ્રહલાદને ઈશ્વરમાં અખૂટ શ્રધ્ધા હતી.  હીરણ્ય કશ્યપની બહેન હોલીકા બાળ પ્રહલાદને મારી નાખવાનાં ઈરાદે ખોળામાં બેસાડી અને લાકડા-છાણાના ઢગલામા પોતે બળી અને અગ્નિસ્નાન કરે છે જેમાં હોલીકાનો નાશ થાય છે અને ભકત પ્રહલાદનો વાળ વાંકો થતો નથી. આ દંતકથા એવો સંદેશ આપે છે કે, આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થાય છે. હોળી-ધુળેટીના તહેવાર આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહયા છે. તેમજ હોળાષ્ટક બેસી ગયા છે. ત્યારે લગ્ન તેમજ અન્ય શુભકાર્યોને પણ બ્રેક લાગી ગઈ છે. જાે કે મહામાસમાં લગ્નના શુભ મુહુર્તો સચવાયા હતા અને સંખ્યાબંધ લગ્ન સમારોહ યોજાયા હતા. હોળી-ધુળેટીનાં તહેવારો બાદ ચૈત્રી માસ શરૂ થશે અને ત્યારબાદ આગામી વૈશાખ માસમાં ઢગલાબંધ લગ્ન સમારોહ યોજાશે. શિયાળાની મૌસમની વિદાયનું છેલ્લું પર્વ હોળી ગણાય છે. આ પર્વે ચોકમાં છાણા અને લાકડાનો ઢગલો કરી શાસ્ત્રોકતવિધી સાથે હોલીકા દહન કરવામાં આવે છે. હોલી માતાનાં દર્શને લોકો આવે છે. હોળી મતાજીની પ્રદક્ષિણા કરે છે. ખજુર, ધાણી, દાળીયા, શ્રીફળ હોળીમાં પધરાવવામાં  આવે છે. અને ઘુઘરીનો પ્રસાદ દેવામાં આવે છે. હોલીકા માતાજી પાસે બાળકની રક્ષાની કામના કરવામાં આવે છે. વિવિધ જ્ઞાતિ, પરિવારોને ત્યાં ખાસ હોળીનાં તહેવાર પ્રસંગે ‘વાડ’નો પ્રસંગ પણ યોજાતો હોય છે. હુતાસણી તપ્યા બાદ ઠંડીની મોસમ સતાવાર રીતે વિદાય થાય છે. હોળીનાં તહેવારને બીજે દિવસે ધુળેટી પર્વની ઉજવણી થાય છે. ધુળેટીનું પર્વ રંગોનું પર્વ છે. લોકો પરસ્પર રંગોથી રમે છે. અને અબિલ, ગુલાલ ઉડાવી એકબીજાને શુભકામના પાઠવે છે. નાના બાળકો સરસ મજાની પીચકારીમાં રંગો ભરી અને ઉડાડવાની મોજ માણે છે. હોળી ધુળેટીનાં તહેવાર આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ત્યારે આ તહેવારને ઉજવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. બજારોમાં પણ ખજુર, દાળીયા, કોપરૂ, હારડાનું વેચાણ થઈ રહયું છે. જયારે ધુળેટીનાં પર્વને ધ્યાને લઈ વિવિધ કલરની પડીકી આકર્ષક પીચકારીનું પણ વેચાણ થઈ રહયું છે. રૂા.પ૦થી લઈ રૂા.૧૦૦ ઉપરાંતની વિવિધ પ્રકારની પીચકારીઓથી બજાર ભરાયું છે.