ભેસાણના ખંભાળિયા ગામે જમાઈએ સસરાના ઘરે તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી
(ક્રાઇમ રિપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.8
ભેસાણના ખંભાળીયા ગામે જમાઈએ આતંક મચાવી સસરાના ઘરે તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવમાં પોલીસે આપેલી વિગત અનુસાર ખંભાળીયા ગામના ૫૨ વર્ષીય પોપટભાઈ પોલાભાઈ સોલંકીની દીકરી ભાવિકાના લગ્ન પાંચ વર્ષ પહેલાં અમરેલી જિલ્લાના કુંકાવાવ વડીયા તાલુકાના મોરવાડા ગામે રહેતા સાગર જયસુખભાઈ મકવાણા સાથે થયા હતા. જમાઈ ભાવિકાને ગુરુવારે સાંજે પોપટભાઈના ઘરે મૂકી ગયો હતો. ભાવિકા ગર્ભવતી હોય જેથી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. દરમ્યાન ભાવિકાના ગર્ભમાં રહેલા બાળકના ધબકારા બંધ થઈ જતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેની મિસ ડિલિવરી કરાવવી પડી હતી. સારવાર બાદ ભાવિકા પિયર ખંભાળીયા આવી હતી.આ દરમ્યાન શનિવારે જમાઈ સાગરે ફોન પર ‘તમે ભાવિકાને મિસ ડિલિવરી કેમ કરાવી?’ અને પરિવારના સભ્યોના ટાંટીયા ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરના માર્યા પરિવાર ઘર બંધ કરી બહાર ગયો હતો, તે દરમિયાન સાગરે સાસરીયાના ઘરે આવી ડેલો તોડી નાખ્યો હતો અને ઓસરીની લોખંડની ગ્રીલના પતરામાં ત્રિકમ વડે તોડફોડ કરી આશરે રૂ.10,000નું નુકસાન કર્યું હતું. આ અંગે ભેસાણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


