જૂનાગઢમાં પાણી પ્રશ્ને આયોજન નહીં થાય તો ‘જળસંકટ’ નો સામનો કરવો પડશે

શહેરમાં રોજનું ૩૦ લાખ લીટર પાણીની જરૂરીયાત છે : પાણીના મુખ્ય સ્ત્રોતમાં હસ્નાપુર ડેમમાં પાણી ઘટી રહયું છે : આણંદપુર ડેમ જ મુખ્ય આધાર

જૂનાગઢમાં પાણી પ્રશ્ને આયોજન નહીં થાય તો ‘જળસંકટ’ નો સામનો કરવો પડશે

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ શહેરમાં આ વર્ષે વરસાદની ઘટના કારણે દીવાળી બાદ જ પાણીની કટોકટી સર્જાઈ તેવા નિર્દેશો મળી રહયા છે. મનપા દ્વારા  પાણી પ્રશ્ને પુરતું આયોજન કરવામાં નહીં આવે તો પાણીની કટોકટી સર્જાય તેવો ભય વ્યકત થઈ રહયો છે. તેમાં પણ જાન્યુઆરી બાદ તો ગંભીર જળસંકટ ઉભું થાય તો નવાઈ નહીં.
આ વર્ષે જૂનાગઢ સહીત રાજયભરનાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો ખુબજ ઓછો અને અપુરતો વરસાદ થવાના કારણે જળાશયોમાં પાણીનો પુરતો સંગ્રહ થઈ શકયો નથી. જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાનાં મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. જયારે  શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં પાછોતરા વરસાદને કારણે હાલ પાણી ભરાયું છે પરંતુ તે પણ ઓછુ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની ઘટને કારણે જળાશયો ખાલી છે. આ ઉપરાંત જળનાં સ્તર પણ નીચે જતા રહયા છે.
જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર જાે પુરેપુરૂં પાણીથી ભરેલું હોય તો અનેક સોસાયટીઓને પાણી માટે રાહત રહે પરંતુ આ વર્ષે નરસિંહ મહેતા સરોવરમાં પણ જળસંગ્રહમાં ઘટ છે જેને લઈને આગામી સમયમાં અનેક સોસાયટીઓમાં બોરના પાણીનાં સ્તર નીચે જાય અથવા તો ડુકી જાય જેના કારણે પાણીની તંગી સર્જાવાની શરૂ થશે તેવો ભય વ્યકત થઈ રહયો છે.
જૂનાગઢ શહેરની અંદાજીત પાંચ લાખની વસ્તી છે. અને સરેરાશ પાણી રોજનું ૩૦ લાખ લીટરની જરૂરીયાત રહે છે. શહેરને પાણી પુરૂં પાડવા માટેના મુખ્ય સ્ત્રોત છે જેમાં જંગલમાં ડેરવાણ, જાંબુડી નજીક આવેલ હસ્નાપુર ડેમ છે. આ ડેમમાં અપુરતા વરસાદથી પાણીના સ્તરમાં અત્યારથી જ ઘટ આવેલી છે. જયારે આણંદપુર ડેમ ઉપર જ હાલ તો આધાર સ્તંભ છે. અત્યારે પાણી માટે આણંદપુર ડેમ ઉપરજ જીવાદોરી રહેલી છે. આણંદપુર ડેમમાં ફેબ્રુઆરી સુધીમાં પાણી સંગ્રહમાં ઘટ આવશે અને જેના કારણે જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતી છે.
અપુરતા વરસાદ અને જળાશયો ખાલી તેવી સ્થિતી વચ્ચે જૂનાગઢમાં પણ ફેબ્રુઆરીથીજ ગંભીર જળસંકટ સર્જાવાનો ભય છે. ત્યારે પાણીની કટોકટીને ધ્યાને લઈ જૂનાગઢ મનપાનાં વિરોધ પક્ષના નેતા લલીતભાઈ પણસારાએ કમિશ્નરશ્રીને પત્ર પાઠવી અને વિસ્તૃત રજુઆત કરી છે.
તેમજ આગામી જનરલ બોર્ડમાં પણ પાણીની કટોકટી સામે મનપા દ્વારા આયોજન કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડવા માટેનું વ્યવસ્થિત આયોજન કરવા પણ માંગણી કરવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં દીવાળી બાદ પાણીની કટોકટી ઉભી થવાનાં ભણકારા વાગી રહયા છે. ત્યારે મનપા દ્વારા તત્કાલ આયોજન કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.