સોમવારે સંસદનું ખાસ સત્ર બોલાવાશે : સરકાર - વિપક્ષ એકશન મોડમાં

સોમવારે સંસદનું ખાસ સત્ર બોલાવાશે : સરકાર - વિપક્ષ એકશન મોડમાં

(એજન્સી)    નવી દિલ્હી તા.ર૭ :
લાંબા લગભગ ૧૦૫ દિવસના સસ્પેન્સ બાદ કેન્દ્રની મોદી સરકારે તા.૩૦ નવે.ના લોકસભા તથા ૨ ડિસેમ્બરના રાજયસભાનું સત્ર બોલાવીને નવા સિમાંકન તથા મહિલા અનામતનો સંયુક્ત ખરડો જે અગાઉ બે તૃતિયાંશ બહુમતીના અભાવે મંજુર થઈ શકયો ન હતો.
તે મંજુર કરાવવાનો નિર્ણાયક પ્રયાસ શરૂ કર્યો છે તથા આજે બપોરે ૧.૩૦ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળનારી કેબીનેટ બેઠકમાં આ ખરડાને મંજુરી અપાશે તેમાં અગાઉ કરતા એક મહત્વના ફેરફારમાં નવા સિમાંકન બાદ કોઈ રાજયની હાલની લોકસભા બેઠકોમાં કોઈ ઘટાડો થશે નહી અને લઘુતમ ૫૦% બેઠકો વધશે તે લેખીત ખાતરીનો ખરડામાં સમાવેશ કરાશે તેની સાથે ૩૩% મહિલા અનામત ખરડો પણ રજુ કરાશે.
સરકારે ગઈકાલે જ સંસદનું ખાસ સત્ર બોલાવવાના (જે વાસ્તવમાં ચોમાસુ સત્રનો બીજો તબકકો જ છે)ની જાહેરાત કરતા જ વિપક્ષ પણ હવે આ સત્ર માટે તેની વ્યુહરચના નિશ્ચિત કરવા સાબદો બની ગયો છે. આજે બપોર બાદ ૪.૩૦ વાગ્યે કોંગ્રેસની એક બેઠક મળી રહી છે.
તેમાં સંસદના ખાસ સત્ર પર કોંગ્રેસની વ્યુહરચના નિશ્ચિત થશે અને બાદમાં ઈન્ડીયા ગઠબંધનની પણ બેઠક યોજાશે. સરકારે એપ્રિલ માસના બોધપાઠ બાદ હવે સંસદના બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીમાં ખરડો મંજુર થાય તે નિશ્ચિત કરશે.
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બપોરે એક વાગ્યે દિલ્હીના સેવા તીર્થ ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી રહી છે. આ અઠવાડિયામાં કેબિનેટની આ બીજી બેઠક હશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક અઠવાડિયામાં એક વખત યોજાય છે.
બીજી તરફ, કોંગ્રેસે પણ સાંજે ૪:૩૦ વાગ્યે સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. તેમાં INDIA બ્લોકના નેતાઓ પણ સામેલ થશે. બંને બેઠકોમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત પ્રસ્તાવિત વિધેયકો પર ચર્ચા થવાની શક્યતા છે.