જૂનાગઢ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ સાંભળી નાગરિકોની રજૂઆતો

દબાણ હટાવવા, રસ્તા ખુલ્લા કરાવવા, વીજ કનેક્શન અને જમીન માપણી સહિતના પ્રશ્નો રજૂ થયા; ઝડપી નિકાલ માટે અધિકારીઓને સૂચના

જૂનાગઢ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ સાંભળી નાગરિકોની રજૂઆતો

જૂનાગઢ તા.25
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. કલેક્ટરે અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની ફરિયાદો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને પ્રશ્નોનો ઝડપી તથા અસરકારક ઉકેલ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બિનઅધિકૃત દબાણ દૂર કરાવવા, જાહેર રસ્તાઓ ખુલ્લા કરાવવા, વીજ કનેક્શન મેળવવા, પ્રોપર્ટી કાર્ડ સંબંધિત બાબતો અને જમીન માપણી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરે અરજદારોની હાજરીમાં દરેક અરજીની હાલની સ્થિતિ અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લઈને સંબંધિત વિભાગોને સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. અરજદારોને યોગ્ય પ્રતિસાદ મળે અને તેમની સમસ્યાઓના નિરાકરણમાં બિનજરૂરી વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા પણ કલેક્ટરે ભાર મૂક્યો હતો. સાથે જ દરેક ફરિયાદનો યોગ્ય રીતે અભ્યાસ કરીને નિયમોનુસાર ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, અધિક કલેક્ટર બી.એસ. બારડ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.