જૂનાગઢમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પગલા લેવાશે?
ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા વચ્ચે અચાનક વાહન ઉભુ રાખવું, કોઈ ટકોર કરે તો ઉધ્ધતાઈ પુર્વક વર્તનની વ્યાપક ફરીયાદો
જૂનાગઢ તા. 4 :
જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા લગભગ કાયમી છે. તેમાં પણ આડેધડ પાર્કિંગ કરી નાખવામાં આવતા વાહનોની અડચણ તેમજ રીક્ષાચાલકો દ્વારા પણ રસ્તા વચ્ચે અચાનક વાહન ઉભુ કરી દેવાનાં બનાવો સતત વધી રહયા છે. અને જાે કોઈ આ બાબતે ટકોર કરે તો ઉધ્ધતાઈ પુર્વક વર્તન થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરનાં મુખ્ય હાર્દ સમા રસ્તાઓમાં કામકાજનાં સમયે ખાસ કરીને બપોરનાં બાર વાગ્યાનાં સમય આસપાસ તેમજ સાંજના 6 થી 8 દરમ્યાન નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે. અનેક મુખ્ય માર્ગો ઉપર અવાર-નવાર ટ્રાફીક જામની સ્થિતી સર્જાતી રહે છે. રસ્તા ઉપર આડેધડ ઉભા રખાતા વાહનો ગેરકાયદેસર પાર્કિંગ તેમજ જયારે કોઈ વાહનચાલક અચાનક રસ્તા વચ્ચે વાહન ઉભુ રાખી દે ત્યારે નાના મોટા અકસ્માત થતાં સહેજમાં રહી જતા હોવાનાં બનાવોનાં પ્રમાણમાં પણ વધારો થઈ રહયો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.
આ ઉપરાંત શહેરમાં ફરતી પેસેન્જર રીક્ષા જયારે પણ કોઈ પેસેન્જરને લેવા માટે અથવા તો કોઈ કારણસર રસ્તામાં અચાનક પોતાનુું વાહન રીક્ષા ઉભી રાખી દેતા હોય છે ત્યારે ટ્રાફીકની અવ્યવસ્થા તો સર્જાઈ છે. સાથે જ કયારેક આવા બનાવ વખતે રાહદારી કે અન્ય વાહન ચાલક કોઈ ટકોર કરે ત્યારે રસ્તા વચ્ચોવચ્ચ રીક્ષા ઉભી રાખી દેનાર રીક્ષા ચાલક કે અન્ય વાહન ચાલક ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફીકનાં નિયમોની ઐસીતૈસી કરી વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.




