નગરજનો માટે ખુશખબર.... જૂનાગઢનો ‘સ્વિમીંગ પુલ’ ટુંકસમયમાં ખુલ્લો મુકાશે

રૂા. ૪ કરોડનાં ખર્ચે બે તબક્કામાં કામગીરી પૂર્ણ : અનેક સુવિધાઓ ઉભી કરાઈ

નગરજનો માટે ખુશખબર.... જૂનાગઢનો ‘સ્વિમીંગ પુલ’ ટુંકસમયમાં ખુલ્લો મુકાશે

જૂનાગઢ તા. ૧૧
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ચોક ખાતે આવેલા સ્વિમીંગ પુલ નજીકના દિવસોમાં જ ખુલ્લો મુકવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે હાલ સ્વિમીંગ પુલમાં પાણી ભરવામાં આવી રહયું છે તેમજ કલીનીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.  જૂનાગઢ શહેરનાં લોકોને સ્વિમીંગ માટે અન્યત્ર જવું ન પડે તે માટે શામળદાસ ગાંધી ટાઉન હોલની બાજુમાં જ વર્ષો પહેલા સ્વિમીંગ પુલ બનાવવામાં આવેલ હતો અને વર્તમાન સમયમાં આ સ્વિમીંગ પુલમાં નવા સુધારા - વધારા તેમજ કેટલીક સુવિધાઓ વધારવાનાં ભાગરૂપે બે તબકકામાં કામ કરવામાં આવ્યું હતું અને અંદાજીત રૂા. ૪ કરોડનાં ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કેટલાક સમય થયા સ્વિમીંગ પુલ બંધ રહયો છે અને આ સ્વિમીંગ પુલ કયારે શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ તરવાના શોખીનો જાેઈ રહયા છે. ઉનાળાનાં આ દિવસોમાં સમયસર સ્વિમીંગ પુલ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી. 
જૂનાગઢનાં સ્વિમીંગપુલની વર્તમાન સ્થિતિ અને આ સ્વિમીંગ પુલ કયારે શરૂ કરવામાં આવશે તે અંગે માહિતી મેળવવા માટે વોટર વર્કસ વિભાગનાં કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચાવડાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી ૧૦ થી ૧પ દિવસમાં જ સ્વિમીંગ પુલ શરૂ કરવામાં આવશે. 
વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વિમીંગ પુલ એટલા માટે બંધ કરવામાં આવ્યો હતો કે સુરક્ષા અને સલામતી માટેનાં પગલાઓનાં ભાગરૂપે ઉંચી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે ઉપરાંત કેટલીક વધારાની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનીટી હોલ જેનો કોન્ફરન્સ હોલ તરીકે પણ ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સ્વિમીંગ પુલમાં જીમની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અન્ય મોટા શહેરોમાં આધુનિક સુવિધાથી સજ્જ સ્વિમીંગ પુલ કાર્યરત છે તે મુજબ જૂનાગઢવાસીઓને પણ સુવિધાજનક સ્વિમીંગ પુલ મળે તે રીતની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. સ્વિમીંગ પુલને થોડા દિવસોમાં જ શરૂ કરવામાં આવશે.  સૌપ્રથમ કોર્પોરેશન દ્વારા તેને કાર્યરત કરવામાં આવશે ત્યારબાદ જાળવણી અને મેઈન્ટેનન્સ માટે જે તે એજન્સીને સ્વિમીંગ પુલ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.