મહાશિવરાત્રીના મેળામાં યોજાયેલ ડમરુ યાત્રા ઐતિહાસિક બની : ધર્મમય માહોલ સર્જાયો
લઘુકુંભ સમાન મહાશિવરાત્રીના ભવનાથ તળેટીમાં હર હર મહાદેવનો નાથ ગુંજયો : ડમરૂના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો
જૂનાગઢ તા.12
મહાશિવરાત્રીના મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જુદા જુદા અખાડાના સાધુ સંતોના નેતૃત્વમાં પ્રથમ વાર યોજાયેલી ડમરૂ યાત્રા ઐતિહાસિક અને અવિસ્મરણીય બની હતી.
જૂનાગઢ ભવનાથમાં ગીરી તળેટીમાં યોજાયેલી આ ડમરું યાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા આસ્થાભેર ડમરૂ સહભાગી બન્યા હતા.
મહાશિવરાત્રીના મેળામાં અલૌકિક વાતાવરણમાં પ્રથમવાર ગુજરાત સહિત દેશભરના જુદા જુદા અખાડાઓના સાધુઓનો મહાશિવરાત્રીના મેળાની પ્રથમ દિવસની ઢળતી સાંજે નગર પ્રવેશ થયો હતો.
ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થયેલી આ ડમરૂ યાત્રા ભવનાથ મંદિર ખાતે પહોંચી હતી, અહીં નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓએ અને સાધુ સંતો ભગવાન ભવનાથ મહાદેવની મહાઆરતીમાંશ્રદ્ધાભેર સહભાગી બન્યા હતા.
નાયબ મુખ્યમંત્રી ગિરનાર દરવાજાથી ખુલ્લા પગે આશરે ત્રણ કિલોમીટર ચાલીને ભવનાથ પ્રવેશ દ્વાર પાસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના પરિસરમાં સાધુ સંતોને ઉપવસ્ત્ર અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા, સાધુ સંતોએ પણ મુખ્યમંત્રીનું અભિવાદન સન્માન કર્યું હતું.
ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થયેલી ઐતિહાસિક ડમરૂ યાત્રામાં હર હર મહાદેવના જય કારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિ સભર બન્યું હતું, ડમરૂ યાત્રામાં સાધુ સંતો અને ભાવિકો ધર્મધ્વજા ફરકાવી અને વિશાળ ત્રિશૂળની પ્રતિકૃતિઓ લઈ હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન ભવનાથ મહાદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અને સાધુ સંતોનો જૂનાગઢ જિલ્લાના સર્વ સમાજની દીકરીઓએ માથે કળશ લઈ વધામણા કર્યા હતા, સાથે જ ડમરૂ યાત્રાના સમગ્ર રૂટ પર પુષ્પ વર્ષા કરીને સૌને આવકાર્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ આ ડમરૂ યાત્રાના રૂટમાં જૂનાગઢ મહાનગરના સ્વ. ડેપ્યુટી મેયર કરમણભાઈ કટારાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ મહાઆરતીમાં સહભાગી થયા બાદ જણાવ્યું હતું કે, ભવનાથ ખાતેથી હર હર મહાદેવનો નાદ દેશના ખૂણા ખૂણે ખૂણા સુધી પહોંચ્યો છે, સાથે જ તેમણે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના નગર પ્રવેશની ડમરૂ યાત્રામાં સહભાગી થવાની ધન્યતા વ્યક્ત કરી હતી.
આ ડમરૂ યાત્રામાં સાધુ સંતોએ અંગ કસરતના દાવ રજૂ કરીને પોતાની સાધના શક્તિનો પણ પરિચય આપ્યો હતો.
આ ડમરૂ યાત્રા અને ભગવાન ભવનાથની મહાઆરતીમાં શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી મહેશ ગીરીબાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરીબાપુ, શ્રી ભારદ્વાજ ગીરીબાપુ, સહિતના સાધુ સંતો ઉપરાંત મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા,મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારી અધિકારી સહભાગી બન્યા હતા.




