જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં વણેલા ગાંઠીયાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું

મોંઘવારીને કારણે ભાવ વધતા વણેલા ગાંઠીયાનું વેચાણ ઘટયું : તીખા અને પાપડી ગાંઠીયાની વધતી માંગ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં વણેલા ગાંઠીયાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું

જૂનાગઢ તા. 30
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની ફરસાણની બજારમાં મોંઘવારીની અસર જાેવા મળે છે. ખાસ કરીને જલેબી-ગાંઠીયાનાં શોખીન સૌરાષ્ટ્રવાસીઓ હવે વણેલા ગાંઠીયાને સ્થાને પાપડી ગાંઠીયાથી ચલાવી લેતા થઈ રહયા છે. મોંઘવારીને કારણે જેમ દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે તેમ ફરસાણનાં ભાવોમાં પણ થોડે ઘણે અંશે વધારો થયો છે. વણેલા ગાંઠીયાનાં ભાવ ફરસાણમાં સૌથી ઉંચા હોવાના કારણે હાલ તેનાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જયારે વણેલા ગાંઠીયાના શોખીન ગ્રાહકો હવે તીખા ગાંઠીયા, પાપડી ગાંઠીયાથી ચલાવી લે છે. 
સૌરાષ્ટ્રવાસીઓની સવાર જલેબી, ગાંઠીયા વિના અધુરી ગણાય, કારણ કે સવારમાં ઉઠતા વેત લોકોને ચા-ગાંઠીયા, જલેબી -ગાંઠીયા નાસ્તામાં લેવા જ પડે છે અને એમ કહો કે કાયમી આદત પડી ગઈ છે. ગાંઠીયામાં તીખા, ભાવનગરી, પાપડી, ફાફડા, વણેલા સહીતની વિવિધ વેરાયટીઓ બજારમાં મળે છે. ફરસાણનાં વેપારીઓ દ્વારા પણ સવારનાં અને સાંજના ગ્રાહકોને તાજું ફરસાણ મળી શકે તે માટે તાવડા માંડવામાં આવે છે. ચણાનાં લોટમાંથી બનાવવામાં આવતી ફરસાણની વિવિધ વેરાયટીમાં વણેલા ગાંઠીયા અને ફાફડા ગાંઠીયાનો ચાહક વિશાળ વર્ગ હોય જેને ધ્યાને લઈ ફરસાણનાં વેપારીઓ દ્વારા ખાસ ફાફડા ગાંઠીયા, વણેલા ગાંઠીયા બનાવવામાં આવે છે. મરી મસાલા, તીખાથી ભરપુર એવા વણેલા ગાંઠીયા સૌરાષ્ટ્રનાં ખુબ વખણાય છે. ગુજરાતમાંથી આવતા મહેમાનો પણ ગાંઠીયાનો સ્વાદ અચુક માણે છે.  
સૌરાષ્ટ્રભરમાં વણેલા ગાંઠીયા, ફાફડા ગાંઠીયાની માંગને ધ્યાને લઈ ગાંઠીયા સાથે ચટણી, મરચા, ચીભડા, કેરી, પપૈયાનો તૈયાર કરેલ સંભારો પણ આપે અને ઘણે સ્થળે કઢી ગાંઠીયાનું પણ ચલણ રહયું છે. ખાસ લોટ દ્વારા ગાંઠીયા બનાવવામાં આવે અને તેની જબ્બર માંગ રહે છે. ફરસાણનાં ભાવોમાં મોંઘવારીને કારણે વધઘટ થયા રાખતી હતી. પાપડી, તીખા, સેવ સહીતના ભાવો છેલ્લે 180 થી રૂા.200માં કીલોના ભાવે મળતા હતા જયારે વણેલા ગાંઠીયા અગાઉ રૂા.250 થી 300ના ભાવે કીલો મળતા હતા તે ધીમે ધીમે 350, 400 જેવો ભાવ થયા બાદ હાલની સતત વધતી મોંઘવારીને કારણે વણેલા ગાંઠીયાનો ભાવ હાલમાં રૂા.450 થી 500 જેવો કીલોનો થયો છે. જેને કારણે હવે સામાન્ય ગ્રાહકને વણેલા ગાંઠીયા પરવડે તેમ નથી અને જેેને લઈને હવે વણેલા ગાંઠીયાનાં વેચાણમાં ઘટાડો થઈ રહયો છે. લોકો વણેલા ગાંઠીયાને બદલે પાપડી ગાંઠીયાથી ચલાવી લેતા થયા છે. મોંઘવારીની અસર સર્વત્ર જાેવા મળે છે. ત્યારે ફરસાણનાં બજાર પર પણ તેની અસર થઈ છે અને વણેલા ગાંઠીયાનાં વેચાણમાં ઘટાડો થયો હોવાનું ફરસાણનાં વેપારીઓએ જણાવેલ છે.