મગફળીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધે તે પહેલાં સાવચેત રહો, જૂનાગઢના ખેડૂતો માટે તંત્રની મહત્વની સલાહ
મોલોમશી, થ્રિપ્સ, તડતડિયા, સફેદમાખી અને ઈયળોના નિયંત્રણ માટે સંકલિત વ્યવસ્થાપન અપનાવવા ખેડૂતોને અપીલ
જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢ જિલ્લામાં મગફળીનો ઊભો પાક હાલ વિવિધ પ્રકારની જીવાતોના હુમલાથી પ્રભાવિત ન થાય તે માટે ખેડૂતોને તકેદારી રાખવા ખેતી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મગફળીના પાકમાં ચૂસિયા જીવાતો તેમજ પાન અને છોડને નુકસાન કરતી ઈયળોના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવામાં આવે તો પાકને થતું નુકસાન ઘટાડવામાં મદદ મળી શકે છે.
મોલોમશીના ઉપદ્રવની શરૂઆતની સ્થિતિ જાણવા માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ ગોઠવવાની સલાહ આપવામાં આવી છે. જો ખેતરમાં મોલોને ખાઈ જનારા કુદરતી દાળિયાની સંખ્યા વધુ જોવા મળે તો તાત્કાલિક જંતુનાશક દવાનો છંટકાવ ન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કુદરતી રીતે જીવાત નિયંત્રણમાં મદદ મળી રહે.
લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ પાંચથી છ ફેરોમોન ટ્રેપ લગાવી શકાય છે. તેમાં પકડાતા નર ફૂદાંનો નાશ કરવાથી ઈયળોની સંખ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે, કારણ કે તેના કારણે ઈંડાં મૂકવાની પ્રક્રિયા પર અસર પડે છે.
ચૂસિયા જીવાતો તેમજ ઈયળોના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીંબોળીનું તેલ અને લીમડા આધારિત તૈયાર દવાઓનો ભલામણ મુજબ ઉપયોગ કરી શકાય છે. જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના, બેસીલસ થુરીન્જીન્સીસ અથવા એનપીવી જેવા જૈવિક વિકલ્પોનો પણ ઉપયોગ કરી શકાય છે.
જો લીલી ઈયળ અથવા પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે તો ખેતી વિભાગની ભલામણ મુજબ યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. જરૂર જણાય તો 10થી 12 દિવસના અંતરે અલગ દવાનો બીજો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે.
તેવી જ રીતે મોલોમશી, થ્રિપ્સ, તડતડિયા અને સફેદમાખી જેવી ચૂસિયા જીવાતોની સંખ્યા નિયંત્રણની મર્યાદા કરતાં વધી જાય ત્યારે ભલામણ કરાયેલી દવાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકાય છે. જરૂરિયાત મુજબ 10થી 12 દિવસ બાદ ફરીથી નિયંત્રણ માટે પગલાં લઈ શકાય છે.
ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ જંતુનાશકનો ઉપયોગ કરતા પહેલાં દવાના પેકેટ પર આપવામાં આવેલી લેબલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અને મગફળીના પાક તથા ચોક્કસ જીવાત માટે ભલામણ કરાયેલ માત્રાનો જ ઉપયોગ કરવો.
મગફળીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ શરૂઆતમાં જ ઓળખી યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો અનાવશ્યક દવાનો ઉપયોગ ટાળી શકાય છે અને પાકનું રક્ષણ પણ કરી શકાય છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતો સ્થાનિક ગ્રામસેવક, ખેતી અધિકારી અથવા સંબંધિત ખેતીવાડી વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.


