ધૂળિયા રસ્તાઓ પર ગુંજ્યો કાન્હાનો કલરવ: ‘મેંગો પીપલ પરિવાર‘ દ્વારા ઝુપડપટ્ટીના બાળકો સાથે જન્માષ્ટમીની અદભુત ઉજવણી
જૂનાગઢ તા. ૮
જ્યાં અછત અને ગરીબી માસૂમ બાળકોના ચહેરા પરથી બાળપણની ખુશીઓ છીનવી લેવા મથે છે, ત્યાં સ્નેહ અને કરુણાનું અજવાળું પાથરવા માટે ‘મેંગોપીપલ પરિવાર‘ દ્વારા ઝૂંપડપટ્ટીના વંચિત કાન્હાઓ સાથે જન્માષ્ટમી પર્વની એક અત્યંત હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. ધૂળભરી ગલીઓમાં જ્યારે કાન્હાનો કલરવ ગુંજ્યો અને આ માસૂમોએ ઉત્સાહભેર મટકી ફોડીને તાળીઓના તાલે મન મૂકીને રાસ-ગરબા રમ્યા, ત્યારે તેમનો નિર્દોષ કિલ્લોલ જોઈને ત્યાં ઉપસ્થિત દરેક હૃદય સ્નેહથી છલકાઈ ગયું હતું. માત્ર ઉત્સવ પૂરતું મર્યાદિત ન રહેતા, આ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ રેલાવવાના ઉમદા ભાવ સાથે સંસ્થા દ્વારા તેમને અભ્યાસમાં ઉપયોગી એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યના અંતે પ્રેમપૂર્વક પીરસાયેલો સ્વાદિષ્ટ નાસ્તો આરોગીને આ ભૂલકાંઓએ અનહદ તૃપ્તિ અનુભવી હતી. આ અનોખા આયોજન દ્વારા મેંગોપીપલ પરિવારે ખરા અર્થમાં જન્માષ્ટમીની સાચી કરુણભક્તિ અને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મેંગોપીપલ પરિવાર‘ (ર્નિમલરાજ ચેરિટેબલ ટ્રસ્ટ) છેલ્લા ૧૩ વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે અવિરત અને નિ:સ્વાર્થ ભાવે કાર્યરત છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા કાર્યરત ‘પ્રોજેક્ટ મુસ્કાન‘ હેઠળ ચીલા ૯ વર્ષથી દર મહિને હજારો જરૂરિયાતમંદ દીકરીઓને નિ:શુલ્ક સેનિટરી પેડ્સનું વિતરણ કરી તેમના સ્વાસ્થ્ય અને આત્મસન્માનનું રક્ષણ કરવામાં આવે છે. માનવતાના આ પવિત્ર સેવા યજ્ઞમાં આપ સૌ સજ્જનોને સહભાગી બનવા અને સહયોગ આપવા માટે મનીષભાઈ રાઠોડ (મો.નં. ૯૨૭૬૦ ૦૭૭૮૬) પર સંપર્ક કરવા નમ્ર અનુરોધ કરાયો છે.


