દ્વારકામાંથી રૂા. 1.02 કરોડના 2.053 કિલો ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરતી પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.25
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક અને પ્રોહીબીશનને લગતી ગતિવિધિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ વડા તરફથી મળેલ સૂચના અંતર્ગત દ્વારકા પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્સ કામગીરી દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે દ્વારકા નજીકના ઓખામઢીના છુટક મજુરી કરતા ભાવેશ ઉર્ફે ભાવલો કનુભાઈ ચાસીયા નામના શખ્સના કબ્જામાંથી ચરસનો 2.053 કિલોગ્રામ જથ્થો જેની કિંમત 1,02,65,000/- તથા એક મોબાઈલ તેમજ મોટરસાઈકલ સહિત કુલ રૂપિયા એક કરોડ 3 લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી પોલીસે જાતે ફરીયાદી બની એનડીપીએસ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં દ્વારકા પો.સ્ટે.ના પી.આઈ. વી.કે. કોઠીયા, સર્વેલન્સ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા, પો.હે.કો. હરપાલસિંહ ઝાલા, થારીયાભાઈ સુમણીયા, કુલદિપભાઈ ખુમાણ, પો.કો. દેવેન્દ્રસિંહ જાડેજા વિ. રોકાયા હતા. અત્રે નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પખવાડિયામાં જ હર્ષદ તેમજ રૂપેણ બંદરમાંથી બિનવારસુ ચરસનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપાયા બાદ એક જ પખવાડિયામાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે.


