મોદીજીના ‘ફિટ ઇન્ડિયા’ના વિચાર સાથે ભગાભાઈ બારડનો યુવાનોને ફિટનેસનો ઉપહાર
૧ નવેમ્બરે આજાેઠાની ડી.એમ. બારડ હાઈસ્કૂલથી ગીર સોમનાથ જિલ્લા કક્ષાની મેરેથોનનો પ્રારંભ થશે : ૨૫૦૦થી વધુ રજિસ્ટ્રેશન, ૪૦૦થી વધુ દીકરીઓનો ઉત્સાહભેર સહભાગ
(ભોળા જાદવ દ્વારા)
લોઢવા, તા. ૨ર
યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિચારને પ્રેરણારૂપ બનાવી પોતાના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આજાેઠા ગામે આવેલી ડી.એમ. બારડ હાઈસ્કૂલ ખાતેથી મેરેથોનનો શુભારંભ થશે. આ આયોજનને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ૪૦૦થી વધુ દીકરીઓનો સમાવેશ થાય છે.
મેરેથોનના આયોજનને સફળ બનાવવા અને સ્પર્ધકોને કોઈ અગવડતા ન પડે તે માટે યોજાયેલી બેઠકમાં વિવિધ ટીમોની રચના કરી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. દોડના રૂટ, વ્યવસ્થાપન, સ્પર્ધકોની સુવિધાઓ, ઇનામ વિતરણ અને સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જન્મદિવસે સમાજને કંઈક નવું આપવાનો પ્રયાસ
ધારાસભ્ય ભગાભાઈ બારડે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસ નિમિત્તે વિસ્તાર અને સમાજ માટે કંઈક નવું કરવાની કોશિશ કરે છે. અગાઉ ઘુસિયા મુકામે આશરે ૧૫૦૦ આંગણવાડી બાળકો સાથે ‘ભૂલકાં મેળા’નું આયોજન, ૨૪ દિવસનું જનજાગૃતિ અભિયાન, આશરે ૬૦૦૦ વરિષ્ઠ નાગરિકોને દ્વારકાની યાત્રા તેમજ જન્મદિવસે જન્મેલી દીકરીઓના ઘરે જઈ વધામણાં કરવા જેવા સેવાભાવી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ વખતે યુવાનોને પ્રેરણા મળે અને તેઓ શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત બને તેવા વિચાર સાથે મેરેથોન યોજવાનું નક્કી કરાયું હતું. શરૂઆતમાં આ આયોજન તાલાળા વિધાનસભા વિસ્તાર પૂરતું રાખવાનો વિચાર હતો, પરંતુ જિલ્લાના તમામ તાલુકાના યુવાનો અને દીકરીઓને સમાન તક મળે તે હેતુથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને આવરી લેવાનો ર્નિણય લેવાયો છે.
ત્રણ કેટેગરીમાં દોડ, વિજેતાઓને આકર્ષક ઇનામો
મેરેથોનમાં જુનિયર બોયઝ અને ગર્લ્સ માટે ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર તથા સિનિયર કેટેગરી માટે દસ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ કિલોમીટરની દોડમાં દોઢ કિલોમીટર આગળ જઈ પરત આવવાનું રહેશે. પાંચ કિલોમીટરની દોડનો રૂટ સુધરાપાડા ફાટક તરફ રહેશે, જ્યારે દસ કિલોમીટરની દોડમાં કાજલી માર્કેટિંગ યાર્ડથી પાંચ કિલોમીટર આગળ જઈ પરત ફરવાનું રહેશે. તમામ સ્પર્ધકો ડી.એમ. બારડ હાઈસ્કૂલ ખાતે દોડ પૂર્ણ કરશે. દોડની દરેક કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનારને રૂા.૫૧,૦૦૦, દ્વિતીયને રૂા.૨૫,૦૦૦, તૃતીયને રૂા.૧૫,૦૦૦ તથા ચોથા અને પાંચમા ક્રમે આવનારને રૂા.૫,૦૦૦નું ઇનામ આપવાનું આયોજન છે. દોડ પૂર્ણ થયા બાદ ઇનામ વિતરણ, સન્માન સમારોહ અને અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ભગાભાઈ બારડે જણાવ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તેઓ પોતાના પરિવારના ખર્ચે આયોજન કરી રહ્યા છે. યુવાનોને દોડ, કસરત અને સ્વસ્થ જીવન તરફ વાળીને સમાજમાં ફિટનેસનો સંદેશ ફેલાવવાનો આ પ્રયાસ છે.


