અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬ યોજાશે

અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬ યોજાશે

અમદાવાદ તા. રર
૨૩ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬ ની યજમાની કરવા માટે સજ્જ છે,  ૯ દિવસ માટે પુરુષો અને મહિલાઓની કબડ્ડી સ્પર્ધામાં ૧૩ દેશો ભાગ લેશે.
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા આયોજિત અને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરી સાથે, આ ચેમ્પિયનશિપમાં ૨૩ ટીમો અને ૪૦૦ થી વધુ ખેલાડીઓ ૬૨ મેચોમાં સ્પર્ધા કરશે, જેમાં ૩૯ પુરુષોની અને ૨૩ મહિલાઓની મેચોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં બંને કેટેગરીમાં પ્રથમ વખત કોમનવેલ્થ ચેમ્પિયન્સનો તાજ પહેરાવવામાં આવશે.
બુધવારે યોજાયેલી કર્ટન-રેઝર પ્રેસ કોન્ફરન્સમાં ઔપચારિક રીતે ચેમ્પિયનશિપની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં સત્તાવાર જર્સી, ટીમના કેપ્ટન, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભારતીય પુરુષ ટીમની કેપ્ટનશીપ સુરજીત સિંહ કરશે, જ્યારે નવીન કુમાર વાઇસ-કેપ્ટન રહેશે. મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ-કેપ્ટન તરીકે ફરજ બજાવશે.
ભાગ લેનારા દેશોમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
બંને કેટેગરીની સેમિફાઇનલ ૩૦ ઓક્ટોબરે યોજાશે, ત્યારબાદ ૩૧ ઓક્ટોબરે ફાઇનલ રમાશે. આ પ્રથમ ચેમ્પિયનશિપથી કબડ્ડીના આંતરરાષ્ટ્રીય વિકાસને નવો વેગ મળવાની અને કોમનવેલ્થ ગેમ્સમાં તેના સંભવિત સમાવેશ માટે આ રમતનો પક્ષ મજબૂત બનવાની અપેક્ષા છે. અમદાવાદ ૨૦૩૦ માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે આ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવાની શહેરની ક્ષમતા દર્શાવવાની અને વૈશ્વિક સ્તરે કબડ્ડીનો પરિચય કરાવવાની તક પણ પૂરી પાડે છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પ્રાણ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ ચેમ્પિયનશિપની યજમાની કરવી એ ભારતીય કબડ્ડી માટે ગર્વની ક્ષણ છે. અમે ભાગ લેનારી ટીમોનું સ્વાગત કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર રમતની ભાવના, કૌશલ્ય અને સ્પર્ધાત્મકતા પ્રદર્શિત કરવા આતુર છીએ.”
ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે જણાવ્યું હતું કે, “આ પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ કબડ્ડીની આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. 
કોમનવેલ્થ દેશોની રાષ્ટ્રીય ટીમોને એકસાથે લાવવાથી ખેલાડીઓને તેમની ક્ષમતાઓ દર્શાવવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે અને વિશાળ વૈશ્વિક દર્શકોને આ રમતનો પરિ ચય થશે.” આ ચેમ્પિયનશિપ “One Breath. One Raid. One Commonwealth.” (વન બ્રેથ. વન રેડ. વન કોમનવેલ્થ.) થીમ હેઠળ યોજાશે.
ચાહકો આ ચેમ્પિયનશિપનું જીવંત પ્રસારણ JioHOstar (જીઓહોટસ્ટાર) પર જાેઈ શકશે, જ્યારે ટેલિવિઝન કવરેજ સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) પર થશે. પ્રેક્ષકો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિનામૂલ્યે મેચ જાેઈ શકશે, જેના માટે Thumpn દ્વારા અગાઉથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.