જૂનાગઢ જીલ્લા સહીત રાજયભરની ગ્રામ પંચાયત-પાલિકાઓમાં બે મહિના વહીવટદાર શાસનની શકયતા

રાજયભરમાં હાલ મતદાર સુધારણા અભિયાન ચાલી રહયું છે જે અંતર્ગત ફેબ્રુઆરીનાં અંતમાં મતદાર આખરી યાદી પ્રસિધ્ધ થશે જેનાં કારણે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ મોડી યોજાઈ તેવી ધારણા

જૂનાગઢ જીલ્લા સહીત રાજયભરની ગ્રામ પંચાયત-પાલિકાઓમાં બે મહિના વહીવટદાર શાસનની શકયતા

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ સહીત રાજયભરમાં હાલ મતદાર સુધારણા અભિયાન જાેરશોરથી  ચાલી રહયું છે. મતદારોનાં ઘરે જઈ બીએલઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં પણ જાગૃતિ આ બાબતે આવે તે માટે પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવી રહયા છે. સમગ્ર રાજયમાં તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એસઆરઆઈની કામગીરી અંતર્ગત પ૦ હજારથી વધુ શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ પણ આ કામગીરીમાં લાગી ગયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાની ગ્રામ પંચાયત, પાલિકા તેમજ રાજયભરની પંચાયત, પાલિકાની આગામી યોજાનારી ચુંટણી પાછી ઠેલાઈ તેવી સંભાવના જાેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજવા આડે એસઆર અવરોધરૂપ બને તેવા એંધાણ છે. કેમ કે જયાં સુધી મતદાર યાદી સુધારણા અભિયાન પુર્ણ ન થાય ત્યાં સુધી ચુંટણી યોજી શકાય તેમ નથી. મતદાર યાદીની સાફ સફાઈને જાેતા રાજકીય  પક્ષોએ પણ આ મુદે ભારે રસ દાખવ્યો છે. કારણ કે બધી વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં ખુબ મોટો ઉલટફેર થવાની વકી છે. કોંગ્રેસ દ્વારા તો એવો આક્ષેપ થયો જ છે કે, ગુજરાતમાં ૬૦ લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે. બીજી તરફ જે ગતિએ  અને ઝડપે મતદાર સુધારણા અભિયાન ચાલી રહયું છે તે જાેતા ફેબ્રુઆરીનાં અંતમાં આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે અને  અને જેનાં કારણે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ પાછી  ઠેલાઈ શકે છે. વિશેષમાં જૂનાગઢ જીલ્લા સહીત રાજયભરમાં પંચાયતો, પાલિકાઓની ચુંટણીઓ યોજવા માટે તખ્તો ગોઠવાઈ રહયો છે અને આમ મતદારની આખરી યાદી જાહેર થયા બાદ તુરતજ સ્થાનિક  સ્વરાજયની ચુંટણીઓ યોજવામાં આવશે. વિશેષમાં વચગાળાનાં આ સમયગાળામાં એટલે કે, જયાં સુધી ચુંટણીઓ યોજાઈ નહીં ત્યાં સુધી એટલે કે બે માસ સુધી પંચાયત અને પાલિકાઓમાં વહીવટદારનું શાસન આવે તેવી ધારણા છે.