સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના એકજ પરીવારનાં ત્રણનાં મોતથી અરેરાટી

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના  એકજ પરીવારનાં ત્રણનાં મોતથી અરેરાટી

સુરત, તા.૨૫: 
સુરતના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી ‘હેપી એલિગન્સ‘ બિલ્ડીંગમાં આજે સવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ, પત્ની અને એક માસૂમ પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી પુત્રીનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, આ પરિવારના મોભીએ પોતાની પત્ની અને બે નાની દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને અથવા અન્ય રીતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સદનસીબે, આ ગોઝારી ઘટનામાં પરિવારની બીજી દીકરીનો બચાવ થયો છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સ્થિતિ પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે.ઘટનાની ગંભીરતાને જાેતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આપઘાત પાછળ આર્થિક તંગી, પારિવારિક કંકાસ કે અન્ય કોઈ મોટું કારણ જવાબદાર હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયાની લેતીદેતી મામલે આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આ સામૂહિક આત્મહત્યા પાછળના જવાબદાર કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને પડોશીઓ તેમજ સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. માત્ર ૫ થી ૭ વર્ષની બે માસૂમ દીકરીઓ, જેમને દુનિયાની કોઈ સમજ પણ નહોતી, તેમના પર પણ કાળનો પંજાે ફરી વળતા સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આસપાસના રહીશોમાં પણ આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.