છેલ્લાં પાંચ વર્ષમાં દ્વારકાધીશ મંદિરની આવક બમણી થઈ

ર૦ર૧-૨૨ થી ૨૦૨પ-૨૬ સુધીમાં ૧૦૧.૩૧ કરોડની આવક

છેલ્લાં પાંચ વર્ષમાં દ્વારકાધીશ મંદિરની આવક બમણી થઈ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરની આવકમાં ગત પાંચ નાણાંકીય વર્ષોમાં ધરખમ વધારો થયો છે. મંદિરનું સંચાલન કરતી દેવસ્થાન સમિતિ દ્વારા છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષોના જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૨૧-૨૦૨૨ થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના પાંચ વર્ષોમાં જગતમંદિરની આવક ૧૦૧ કરોડથી વધુની થઈ છે. વર્ષવાર આપેલ આંકડા અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩.૭૬ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૯.૭૯ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩.૭૮ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૧.૯૨ કરોડ તથા વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨.૦૪ કરોડ રૂપિયાથી વધુની આવક મળી કુલ પાંચ નાણાંકીય વર્ષ દરમ્યાન ૧૦૧.૩૦ કરોડ રૂપિયાથી વધુ આવક જગતમંદિરમાં નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવાસન ઉદ્યોગના વિકાસ સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્રમાં ધામિર્ક યાત્રા માટે તીર્થયાત્રીઓ તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના પર્યટન સ્થળોના વિકાસ સાથે સહેલાણીઓની સંખ્યામાં પણ સમગ્ર દ્વારકા દર્શન સકિર્ટના સ્થળોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. દ્વારકા ક્ષેત્રમાં પ્રવાસનલક્ષી સુવિધામાં વધારો તેમજ કોરોના પછીની પરિસ્થિતિમાં યાત્રીકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સાથે જ સેલીબ્રીટીઝની મુલાકાતો પણ આ સમયગાળામાં સતત વધી છે.