જાહેર રસ્તા પર ઘાસચારો વેચાણ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી : વોર્ડ નં.૩

વિસ્તારમાં ચકાસણી દરમ્યાન ઘાસચારો જપ્ત, નિયમ ભંગ બદલ રૂા.૧૦૦૦નો દંડ

જાહેર રસ્તા પર ઘાસચારો વેચાણ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી : વોર્ડ નં.૩

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૩
પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને રેઢિયાળ પશુઓના ત્રાસને ઘટાડવા મહાનગર પાલિકાનો સેનિટેશન વિભાગ સક્રિય બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ રેઢિયાળ પશુઓના ત્રાસમાંથી નાગરિકોને રાહત મળે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચાણ થતો હોવાથી રસ્તાઓ પર ગંદકી ફેલાય છે તેમજ રેઢિયાળ પશુઓ એકત્ર થતા ટ્રાફિક અને નાગરિકોને મુશ્કેલીઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વોર્ડ નં.૩ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેર રસ્તા પર ઘાસચારો વેચાણ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જાહેર સ્થળે ઘાસચારો વેચાણ કરવા મનાઈ હોવા છતાં નિયમોનો ભંગ થતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમ્યાન મહાનગર પાલિકાની ટીમ દ્વારા સ્થળ પરથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ નિયમોના ભંગ બદલ સંબંધિત વ્યક્તિને રૂા.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર રસ્તાઓ અથવા જાહેર સ્થળો પર ઘાસચારો વેચાણ ન કરે. શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોનો સહકાર મળશે તો શહેરને સ્વચ્છ તેમજ રેઢિયાળ પશુઓના ત્રાસથી મુક્ત રાખવામાં વધુ સરળતા રહેશે.