વેરાવળ પાલીકાના નિવૃત કર્મચારીઓના હક્કના પૈસા પર પાલિકાની ‘તાળાબંધી’, કલેક્ટર દ્વારા તાત્કાલિક ચુકાદો કરવા તાકીદ કરી
નિવૃત્ત કર્મીઓ વર્ષોથી એરિયર્સ માટે ધક્કા ખાતા હોવા છતાં પાલીકા તંત્રને કોઈ ફરક નહીં
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.પ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના નિવૃત કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ મળવાપાત્ર એરિયર્સની રકમ ચૂકવવામાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વર્ષોથી પોતાના હક્કની રકમ મેળવવા માટે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નિવૃત કર્મચારીઓને સંતોષકારક ઉકેલ મળ્યો નથી. અંતે હેરાન-પરેશાન થયેલા નિવૃત કર્મચારીઓએ જિલ્લા કલેકટર કચેરીનો આશરો લેવો પડ્યો હતો. આ અંગે નિવૃત કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ માટે સક્ષમ કક્ષાએથી સાતમા પગારપંચની મંજૂરી મળી ચૂકી છે અને હાલ ફરજ બજાવતા કર્મચારીઓને તે મુજબનું ચુકવણું પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં નિવૃત કર્મચારીઓને નિયમોનુસાર મળવાપાત્ર એરિયર્સની રકમ મેળવવા માટે વર્ષોથી ધક્કા ખાવા પડી રહ્યા છે.
છ-સાત વખત રજુઆત છતાં ‘ઠંડો’ પ્રતિસાદ
નિવૃત કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે જે તે વખતના ચીફ ઓફિસરને છથી સાત વખત રૂબરૂ મળી એરિયર્સ ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ હકારાત્મક પરિણામ ન આવતા કેટલાક કર્મચારીઓએ તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થયા બાદ ચીફ ઓફિસર દ્વારા દર મહિને બે નિવૃત કર્મચારીઓને એરિયર્સની રકમ ચૂકવવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જાે કે આ બાંહેધરીને પણ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં એકપણ નિવૃત કર્મચારીને એરિયર્સની રકમ ચૂકવવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.
લેખીત બાંહેધરી પણ કાગળ પર જ રહી..
નિવૃત કર્મચારીઓનો વધુ ગંભીર આક્ષેપ છે કે લેખિત બાંહેધરીની અમલવારી કરાવવા રજૂઆત કરવામાં આવે ત્યારે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. કેટલાક કર્મચારીઓને તો ‘મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ કરી છે તો હવે ત્યાંથી જ રકમ ચૂકવણીનો ચુકાદો કરાવી લ્યો’ તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોતાના હક્કની રકમ માટે વર્ષોથી રાહ જાેઈ રહેલા નિવૃત કર્મીઓ માટે આ વલણ ભારે આઘાતજનક હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નગરપાલિકાના નિવૃત કર્મચારીઓને પેન્શન મળતું ન હોવાથી તેમની આર્થિક સ્થિતિ પણ કફોડી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
રૂા. ૪.પ૭ કરોડની ગ્રાન્ટ છતાં એરિયર્સ માટે ‘અછત’ કેમ ?
નિવૃત કર્મચારીઓએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે તા.૨૯ જૂન, ૨૦૨૬ના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સના હુકમ અન્વયે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને કર્મચારીઓના પગાર-ભથ્થાંની ચુકવણી માટે રૂ.૪.૫૭ કરોડની મૂળભૂત ગ્રાન્ટ પણ મળી છે. તેમ છતાં નિવૃત કર્મચારીઓની બાકી એરિયર્સની રકમનો ચુકાદો કરવામાં પાલિકા તંત્રની ઇચ્છાશક્તિ જણાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કલેકટર સમક્ષ રજુઆત થતાં તંત્ર દોડતું થયું !
આખરે નિવૃત કર્મચારીઓ જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાને રૂબરૂ મળ્યા હતા. નિવૃત કર્મચારીઓએ ચીફ ઓફિસરની લેખિત બાંહેધરી છતાં ત્રણ માસથી ચુકવણી નહીં કરાઈ હોવા સહિતની સમગ્ર હકીકત કલેકટર સમક્ષ રજૂ કરી હતી. રજૂઆત બાદ કલેકટરે મામલે નારાજગી વ્યક્ત કરીને ચીફ ઓફિસરને ટેલિફોનિક સૂચના આપી નિવૃત કર્મચારીઓની એરિયર્સની રકમ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી ચુકાદો કરવા તાકીદ કરી હોવાનું જણાવાયું છે. નિવૃત ફૂડ સેફ્ટી ઓફિસર હસમુખ હિરપરાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં પાલિકા તંત્રના વલણને ઓરમાયું અને બેજવાબદાર ગણાવ્યું હતું. હવે જાેવાનું એ રહ્યું કે કલેકટરની તાકીદ બાદ વર્ષોથી પોતાના હક્કની રકમ માટે રાહ જાેઈ રહેલા નિવૃત કર્મચારીઓને ખરેખર એરિયર્સ મળે છે કે ફરી એકવાર માત્ર આશ્વાસન જ હાથ લાગે છે.


