ટ્રેડ ડીલ નિષ્ફળ જતા ટ્રમ્પે કેનેડા પર વધુ પ૦ ટકા ટેરિફ ઝીંકી
(એજન્સી) વોશિંગ્ટન તા.રર
અમેરિકા-કેનેડા વચ્ચે ૩ દિવસ સુધી ચાલેલી ટ્રેડ ડીલની વાતચીત નિષ્ફળ રહી હતી. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મધ્યરાત્રીથી કેનેડાના ૨૦ અબજ ડોલરના સામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરી દીધો છે. જે કેનેડાના અમેરિકાને ર્વાષિક નિકાસના ૫% છે.
અમેરિકા અને કેનેડાના અધિકારીઓએ વોશિંગ્ટન ડીસીમાં ત્રણ દિવસની વાતચીત થઈ હતી, પરંતુ વેપાર કરાર ફાઈનલ થઈ શક્યો નહીં.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે અમેરિકા જેટલો ટેરિફ લગાવશે, કેનેડા પણ તેટલી જ ટેરિફ લગાવીને જવાબ આપશે. અમેરિકાનું કહેવું છે કે કેટલાક ક્ષેત્રોમાં કેનેડાની નીતિઓ અમેરિકન કંપનીઓ માટે નુકસાનકારક છે. આ પહેલા અમેરીકાએ ૨૦ ઓગસ્ટથી નવી ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
જોકે, ડેડલાઇન પહેલા જ બંને દેશોએ વાતચીત કરવાનો ર્નિણય કર્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લાગુ કરવાની સમયમર્યાદા ત્રણ દિવસ વધારી દીધી, જેથી વાતચીતને ફાઈનલ કરવાનો પ્રયાસ કરી શકાય.
અમેરિકન અધિકારીઓનું કહેવું હતું કે ઘણા મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે, પરંતુ કેટલાક મહત્વના વિષયો પર મતભેદ યથાવત હતા. જેમાં ઓટોમોબાઈલ સેક્ટર, ડેરી પ્રોડક્ટ્સની બજાર પહોંચ, દારૂનો વેપાર અને કેટલાક અન્ય વ્યવસાયિક નિયમોનો સમાવેશ થતો હતો.


