જૂનાગઢની વિદ્યાર્થીનીઓએ શીખ્યું જીવન બચાવવાનું કૌશલ્ય, ડૉ. સુભાષ મહિલા કોલેજમાં CPR તાલીમ
હૃદયના ધબકારા અને શ્વાસ બંધ થવાની કટોકટીમાં તાત્કાલિક મદદ અંગે માર્ગદર્શન; પુખ્ત વ્યક્તિ, બાળક અને શિશુ માટેની CPR પદ્ધતિ સમજાવાઈ
જૂનાગઢ, તા.૧૧
કટોકટીની પરિસ્થિતિમાં સમયસર આપવામાં આવતી પ્રાથમિક સારવાર કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે. આ હેતુ સાથે જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ અને રોટરી ક્લબ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓ માટે હૃદય અને ફેફસાંનું પુનર્જીવન એટલે કે CPR અંગે જીવનરક્ષક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ત્રિમૂર્તિ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. શૈલેષ જાદવે CPRની પ્રક્રિયા, તેની યોગ્ય પદ્ધતિ અને કટોકટી સમયે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય અને વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ ન લઈ રહી હોય અથવા માત્ર હાંફતી હોય તેવી સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવી અને યોગ્ય CPR શરૂ કરવાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીનીઓને કટોકટીના સમયે આસપાસના લોકોને મદદ માટે બોલાવવા તેમજ ૧૧૨ ઇમર્જન્સી નંબર પર સંપર્ક કરવા અંગે પણ માહિતગાર કરવામાં આવી હતી. આ ઉપરાંત પુખ્ત વ્યક્તિ, બાળક અને શિશુ માટે CPR આપવાની પદ્ધતિમાં રહેલા તફાવતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન બેભાન વ્યક્તિની મદદ કરતી વખતે રાખવાની સાવચેતીઓ પર પણ ખાસ ભાર મૂકાયો હતો. બેભાન વ્યક્તિને પાણી કે દવા ન આપવી અને તેને બળજબરીપૂર્વક બેસાડવાનો પ્રયાસ ન કરવો સહિતની બાબતો અંગે વિદ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના આદ્યસ્થાપક બાપુજી પેથલજીભાઈ ચાવડાની સ્મૃતિમાં સ્મરણાંજલિ ગાન સાથે કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. બલરામ ચાવડાએ વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી અને કટોકટી સમયે મદદરૂપ બને તેવા કૌશલ્યો શીખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમનું સંચાલન ડૉ. નયનાબેન ગજ્જરે કર્યું હતું. પ્રા. ચેતનાબેન ચુડાસમાએ મહેમાનનો પરિચય આપ્યો હતો, જ્યારે ડૉ. મહેશ કિકાણીએ આભારવિધિ કરી હતી.



