જૂનાગઢ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને ૧૪ વર્ષ પૂર્ણ થતા જેલમુક્ત : શુભેચ્છા પાઠવાઈ

જૂનાગઢ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને ૧૪ વર્ષ પૂર્ણ થતા જેલમુક્ત : શુભેચ્છા પાઠવાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
તાજેતરમાં તા.૨૮-૩-૨૬ના રોજ જેલ જૂનાગઢ ખાતે આજીવન કેદની સજા ભોગવતા એક બંદિવાન ભાઈને ૧૪(ચૌદ) વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૪૭૩ મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેલમુક્ત કરવામાં આવેલ છે. રાજ્યની જેલોના વડા અને પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સારી વર્તણૂંક ધરાવતા કેદીઓનીજેલમુક્તિ માટે અંગત રસ લઈ પ્રયાસો કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા ખુબજ સંવેદનશીલ અને સુધારાત્મક અભિગમ દાખવી બંદિવાનોને બીજી તક આપી સમાજમાં પુન:વર્સન માટેની તક આપવામાં આવી છે, જે અન્વયે તા.૦૧/૦૧/૨૦૧૯ થી આજદિન સુધી ૬૭૦ ઉપરાંત સારી વર્તણૂંક ધરાવતા બંદિવાનોને સજા માફી સાથે જેલમુક્ત કરવામાં આવેલ છે. દરમ્યાન પાકા કામના બંદીવાન અશોકભાઇ હકાભાઇ સાંકરીયા સજા દરમ્યાન સતત સારૂ વર્તન જાળવી સુધારણા અને પુન:વર્સનના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો જેને ધ્યાને રાખી સજા માફ કરી જેલમુક્ત કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન એસ.લોહારે જણાવ્યું હતું કે, જેલ તંત્રનો મુખ્ય હેતુ માત્ર સજા આપવાનો નથી, પરંતુ કેદીઓને સુધારીને સમાજમાં જવાબદાર નાગરિક તરીકે પુન:સ્થાપિત કરવાનો છે. સરકારના આ ર્નિણય માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે, આ પગલુ ફોજદારી ન્યાય પ્રણાલીના સુધારાત્મક અભિગમનેવધુ મજબુત બનાવે છે. આવા ર્નિણયો માત્ર કાયદાની જ પાલના નથી કરતા પરંતુ માનવતા અને સુધારણાને પણ પ્રાથમિકતા આપે છે અને બદલાવનેપ્રોત્સાહિત કરે છે. આ બંદિવાન ભાઇ તેની દિકરી શાળાએ મોકલવાની ઉંમરે જેલમાં આવી ગયેલ અને આજે દિકરીને સાસરે મોકલવાની ઉંમરે જેલમુક્ત થઈ પરિવાર અને સમાજમાં પરત થાય છે ત્યારે ખુબ ખુબ શુભકામના પાઠવીએછીએ.
આ પ્રસંગે જેલ ખાતે D.L.S.A.ના સેક્રેટરી જજ ડી.કે.ચંદાણી, જ્યુડિશ્યલ જેલર ડી.એમ.મકવાણા અને જેલના અન્ય સ્ટાફગણ હાજર રહેલ. બંદિવાનને અધિક્ષક દ્વારા શાલ ઓઢાડી, નાળીયેર-સાંકળ અને ભગવદગીતા તેમજ ગીતાસારના પુસ્તકો આપી શુભેચ્છા સહ વિદાય આપવામાં આવી હતી.