સાયકલ સવારને બચાવવા જતાં  જૂનાગઢનાં જીઆઈડીસી-રમાં સીંગદાણા ભરેલો ટ્રક ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત : ટ્રક ચાલકનું કરૂણ મોત

સાયકલ સવારને બચાવવા જતાં  જૂનાગઢનાં જીઆઈડીસી-રમાં સીંગદાણા ભરેલો ટ્રક ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત : ટ્રક ચાલકનું કરૂણ મોત

જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી-રમાં આજે બપોરનાં સમયે સીંગદાણા ભરેલો ટ્રક ડીવાઈડર સાથે અથડાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યકિતને ઈજા પહોંચી હતી. જેમાંથી એકની હાલત ગંભીર હોય તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું છે. આ ગમખ્વાર અકસ્માતના  બનાવ અંગેની મળતી વિગતો અનુસાર સીંગદાણા ભરેલો એક ટ્રક જઈ રહયો હતો તે દરમ્યાન આ ટ્રક જીઆઈડીસી-ર નજીક પહોંચતા ત્યાં એક સાયકલ સવારને બચાવવા જતા આ ટ્રક ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ અને ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક અશ્વીનભાઈ કોરડીયા રહે. ટીકરવાળાને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ગોપાલભાઈ વાઘેલા રહે. દોલતપરા (ઉ.વ. પર)ને સામાન્ય ઈજા પહોંચી હતી જેઓને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક અશ્વિનભાઈ કોરડીયાની હાલત ગંભીર હોય તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી રહી હતી અને સારવાર કારગત નિવડે તે પહેલા જ તેઓનું મૃત્યું થયું છે જેને લઈને તેમના પરીવારજનોમાં શોક પ્રસરી ગયો છે. દરમ્યાન જીઆઈડીસી-રમાં ટ્રક પલ્ટી મારી જવાના આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. ટ્રક પલ્ટી જવાને કારણે સીંગદાણા રોડ પર વેરાઈ ગયા હતાં. અને ટ્રાફીક પણ થંભી ગયો હતો. દરમ્યાન પલ્ટી ગયેલા ટ્રકને ક્રેન દ્વારા વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.