જૂનાગઢ મનપામાં વોટર વર્કસ શાખા દ્વારા રજીસ્ટર નિભાવવામાં નથી આવતું : ઓડીટમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી
વિપક્ષનાં નેતા લલિત પણસારાએ કમિશ્નરને પત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગણી કરી
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ મનપાનાં વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ કમિશ્નરશ્રીને એક પત્ર પાઠવી અને મનપાની વોટર વર્કસ શાખામાં નિયમ મુજબ રજીસ્ટર નિભાવવામાં આવતું નથી અને જેના કારણે મોટી રકમના બીલો અધરોઅધર મંજુર કરી નાખવામાં આવતા હોવાનો ધડાકો આ પત્રમાં કરેલ છે. તેમજ સરકારી ઓડીટમાં જે ગંભીર બાબતો બહાર આવી છે તે અંગે પણ કમિશ્નરશ્રીના ધ્યાને મુકી મનપામાં વોટર વર્કસ શાખામાં નિયમ મુજબ જરૂરી રજીસ્ટર નિભાવવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી અને આદેશ જારી કરવા જણાવેલ છે.
કમિશ્નરશ્રીને પાઠવેલા પત્રમાં લલિત પણસારાએ રજુઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા દ્વારા જૂનાગઢ શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા પમ્પીંગ સ્ટેશનો આવેલા છે જેમા પાણીના ટાંકાઓ તથા સમ્પમાં પાણીના કલોરીનેશન માટે વોટર વર્કસ શાખા દ્વારા ૨૦૧૮ થી ૨૦૨૦ સુધીમાં રૂા. ૨૬,૦૦,૦૦૦/- ના લીકવીડની ખરીદી કરેલ હતી. જેમાં મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા દ્વારા રેકર્ડ નીભાવવામાં આવતા નથી. જેના કારણે મોટી રકમના બીલો અધ્ધરો-અધર મંજુર કરી દેવામાં આવે છે. જે અંગે સરકારી ઓડીટ ધ્વારા વાંધાઓ રજુ કરવામાં આવેલ છે તે હાલ પણ એજ રીતે કોઈપણ જાતના યોગ્ય રજીસ્ટરો નીભાવવામાં ન આવતા હોય જેથી આ બાબતે તાત્કાલીક નિતી-નીયમ મુજબ રજીસ્ટરો તથા તમામ રેકર્ડ રાખવા જે તે અધિકારીને સુચના આપવા અને ત્યારબાદ જ તેમના બીલો મંજુર કરવા જણાવેલ છે.
ગુજરાત જાહેર બાંધકામ નિયમ સંગ્રહ પરા ૨૦૦ (૨) મુજબ ૨૦ લાખ સુધીની રકમની જાહેર નિવીદા જીલ્લા કક્ષાએ થી પ્રસિધ્ધ થતા એક ગુજરાતી પેપર તથા એક અમદાવાદ થી પ્રસિધ્ધ ગુજરાતી પેપર એમ કુલ બે વર્તમાન પત્રમાં આપવાની હોય છે. પરંતુ વોટર વર્કસ શાખા (બીજાેપ્રયત્ન) તા.૨૧/૦૫/૨૦૧૮ ના જા.નં. ૧૩૩ મુજબ નાયબ માહીતી નીયામકને રાજકોટ અને જુનાગઢ થી પ્રસિધ્ધ થતા એક વર્તમાન પત્રમાં કામની નિવીદા આપવા જણાવેલ હતુ. જેથી સક્ષમ હરીફાઈ યુક્ત ભાવો ન મળતા મ.ન.પા.ને ઉચ્ચા ભાવે આ ટેન્ડર એજન્સીને આપવુ પડયુ હતું. આ બાબતે સરકારી ઓડીટ ધ્વારા સ્પષ્ટપણે નોંધ આપેલ છે કે કોન્ટ્રાકટરના એગ્રીમેન્ટમાં સામાન્ય સિધ્ધાંતો મુજબ આપવામાં આવેલ કામગીરીની ચોકકસ મુદત અને સ્પષ્ટતા હોવી જાેઈએ. પરંતુ જુનાગઢ મહાનગરપાલિકાએ આ એજન્સી સાથે કરવામાં આવેલ કરાર ખતમાં કરારની મુદતનો કોઈ ઉલ્લેખ નથી. જેથી ભવિષ્યમાં મહાનગરપાલિકા ધ્વારા થતા એગ્રીમેન્ટમાં સરકારી ધારા-ધોરણો મુજબની તમામ બાબતો આવરી લેવામાં આવે તેવો હુકમ કરવા જણાવેલ છે. આ ઉપરાંત એજન્સીનુ કામ પૂર્ણ થઈ ગયા બાદ કમ્પ્લીશન સર્ટીફીકેટ આપવાનુ હોય છે ત્યાર બાદ જ ફાઈનલ બીલ ચુકવવાનુ થતુ હોય છે પરંતુ સરકારી ઓડીટમા સ્પષ્ટ કહેલ છે કે કામ પૂર્ણ થયા તારીખ, વાઉચર નંબર અને ખર્ચની રકમ સામેલ નથી. જેથી ચકાસણી થઈ શકેલ નથી. જેથી તમામ શાખાઓને આદેશ કરી કામ પૂર્ણ થયા બાદ કમ્પ્લીશન સર્ટીફીકેટ રજુ કર્યા બાદ જ ફાઈનલ બીલ મંજુર કરવુ અને તેમના રેકર્ડ ફાઈલે રાખવા. આ ઉપરાંત એજન્સીને વાર્ષિક ભાવમાં એટલે કે ૧૨ માસ માટે કામ આપવામાં આવેલ હતું. જેને આશરે બે વર્ષ એટલે ૨૪ માસ મુદત વધારો આપી કામગીરી કરાવવામાં આવેલ છે. ખરેખર વાર્ષિક ભાવ હોય છે તે વર્ષના હોય છે. વર્ષ પૂર્ણ થાય તે પહેલા નવુ ટેન્ડર બહાર પાડી દેવાનુ હોય છે. પરંતુ જાણી જાેઈને આર્થિક લાભ માટે એજન્સીઓને વારંવાર મુદત વધારો કરી આપવામાં આવે છે. જાે સમયસર ટેન્ડર બહાર પાડવામાં આવે તો હરીફાઈ યુક્ત ભાવો આવી શકે છે અને મ.ન.પા.ને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. ભવિષ્યમાં સમયસર વાર્ષિક ટેન્ડરો થાય તેવો આદેશ કરશો. અને કોઈપણ કામમાં મુદત વધારો ન કરવા રજુઆત કરવામાં આવી છે.
વધુમાં કોન્ટ્રકટર ધ્વારા ખરીદીના ઓરીજનલ બીલ તો ઠીક પણ ઝેરોક્ષ નકલ પણ મહાનગરપાલિકામાં આપેલ નથી. જેથી આ ઉપરથી એવુ સાબીત થાય કે કોન્ટ્રાકટરને ઓરીજનલ બીલ વગર જ ચુકાદો કરી દેવામાં આવે છે જે ગંભીર ભુલો ઓડીટમાં સામે આવેલ છે.કોન્ટ્રાકટરે આપેલ માલ સામાનનો સ્ટોક - વપરાશ રજીસ્ટર નિભાવવામાં ન આવતુ હોય જેથી માલની આવક અને જાવક સરકારી ઓડીટ ધ્વારા ખરાઈ થતી નથી જે ખુબ જ ગંભીર ભુલ છે. જેથી યોગ્ય રજીસ્ટરો જે તે શાખા ધ્વારા નિભાવવામાં આવે તો તમામ બાબતોની ચકાસણી થઈ શકે અને ખોટા બીલો બનતા અટકી શકે.
આ સાથે જ સરકારી ઓડીટ ધ્વારા શ્રી સિધ્ધીવિનાયક કેમીકલ ને વખતો-વખત વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે પરંતુ ઓર્ડર આપ્યા મુજબનો જથ્થો મહાનગરપાલિકાને ઉપલબ્ધ થયેલ હતો કે કેમ ? તે અંગે મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી ધ્વારા પુરાવાઓ પણ આપવામાં આવેલ નથી. તેમજ માર્ગ અને મકાન વિભાગના ઠરાવ મુજબ ૧૭/૦૪/૨૦૦ર ના પરીપત્ર મુજબ કોઈપણ કામના અંદાજીત રકમ થી ઉંચા ભાવ આવે ત્યારે ટેન્ડર સક્ષમ અધિકારીની મંજુરી વગર સ્વીકારી શકાય નહી તેમજ કામનો વર્ક ઓર્ડર આપી શકાય નહી. સદરહુ કામના ૧ લીટરના રૂા. ૧૪૭ ની સામે રૂા. ૧૫૩ એટલે કે ૪.૦૮ % ઉચાનું ટેન્ડર ભરાઈ ને આવેલ હતુ છતા સરકારના આ પરીપત્રનુ પાલન કરેલ નથી. અને ગેરકાયદેસર રીતે ૨૦ લાખનુ ટેન્ડર આપી દેવામાં આવેલ હતુ.
માર્ગ અને મકાન વિભાગના તા.૨૦/૧૧/૨૦૧૩ ના પરીપત્ર મુજબ ૫ % સીકયુરીટી ડીપોઝીટ વસુલ કરવાની હોય છે જેમા વર્ક ઓર્ડર આપ્યા પહેલા ૨.૫ તથા વર્ક ઓર્ડર આપ્યા બાદ બીલમાંથી ૨.૫ બીલમાંથી કપાત કરવાની હોય છે. પરંતુ રનીંગ બીલમાંથી ૨.૫ સીકયુરીટી ડીપોઝીટ કાપેલ નથી જે સરકારી ઓડીટમાં ગંભીર બાબત સામે આવેલ છે. અને તેમનુ બીલ ઓડીટ થઈને ચુકવી દેવામાં આવેલ છે. ટેન્ડર બનાવતા સમયે સરકારશ્રીના એસ.ઓ.આર.ના ભાવો પરથી તમામ ટેન્ડરો બનાવવામાં આવતા હોય છે. પરંતુ આ એજન્સીને આપવામાં આવેલ ટેન્ડર એસ્ટીમેન્ટ શેડયુલમાં કયા એસ.ઓ.આર.ને ધ્યાને રાખ્યા છે તે સરકારી ઓડીટને પણ આઈટમ રેટ એટલે કે કલોરીનેશનના જે ભાવો લેવામાં આવ્યા છે તેમની ખરાઈ થતી નથી જે બાબતે પણ રજુઆત કરવામાં આવી છે.
ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે પણ માલ સામાન ખરીદ કરવામાં આવે છે તે ખરીદેલા માલ સામાન અને જથ્થાની વિગતો રાખવામાં આવતી નથી. જેના કારણે કોન્ટ્રાકટર દ્વારા માલ સપલાઈ કરવામાં આવેલ છે કે નહી? તે પણ એક શંકા ઉપજાવે છે. સરકારી ઓડીટ ૨૦૨૦-૨૧ ના ફકરા નં. ૫૪ (વોટર વર્કસ શાખા) ગંભીર વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે. અને મોટા ભાગના પારાઓના જવાબો પણ શાખા અધિકારી ધ્વારા કરવામાં આવતા નથી જેથી આ અરજી સાથે આ પારા બાબતે તપાસ કરી અને હાલ પણ મહાનગપાલિકા જે કલોરીનેશનના ટેન્ડરો બહાર પાડે છે અને કયા કયા વપરાશ થાય છે, કેટલો જથ્થો આવે છે તે તમામ બાબતોમાં ચકાસી ટેન્ડરથી માંડી તમામ બાબતો સરકારી ધારા-ધોરણોનુ પાલન કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. જૂનાગઢ વોટર વર્કસ શાખા ધ્વારા ઉપરકોટ થી માંડી પાદરીયા ફીલ્ટર પ્લાન્ટ તથા વિવિધ સ્તોત્રોમાં નિયમ મુજબ પાણી ફીલ્ટર કરવામાં આવે છે કે નહી? ત્યા રજીસ્ટરો નિભાવવામાં આવે છે કે નહી ? પાણીમાં કેટલો દવાનો જથ્થો નિયમ મુજબ ઉમેરવાનો હોય છે? અને તે કવોલીફાઈડ કેમીસ્ટ ધ્વારા સુચવવામાં આવે તે રીતે કલોરીનેશન કરવામાં આવે છે કે નહી તે ખાસ તકેદારી રાખવા અને તપાસ કરવા વિનંતી છે જેથી ઈન્દોર તથા ગાંધીનગર જેવી ગંભીર ઘટનાઓ જુનાગઢમાં ન થાય અને લોકોનુ સ્વાસ્થય સાથે ચેડા ન થાય તે માટે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવા પત્રના અંતે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાએ માંગણી કરી છે.


