જેટ ફયુલના ભાવ વધતા એરલાઈન્સ પર સંકટ દેશભરમાં વિમાની સેવા ઠપ્પ થઈ જવાની ભીતી
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૯:
જેટ ફયૂલની વધી રહેલી કિમતને કારણે એરલાઈન્સ કંપનીઓની ચિતામાં એકાએક વધારો થયો છે. આવી સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તો ફલાઈટ સવિર્સ ઠપ્પ થઈ શકે છે. આ જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતની અગ્રણી એરલાઈન્સ કંપનીઓના સમુહ ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે એક ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, હાલમાં જે જેટ ફયૂલની કિમત છે એ માહોલ એરલાઈન્સ કંપનીઓ માટે યોગ્ય નથી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવેલા એક પત્રમાં એવી ચોખવટ કરવામાં આવી હતી કે એરલાઈન્સના ફલાઈટ ઑપરેશન અને સંચાલન જાળવી રાખવા માટે એવિએશન ટર્બાઈન ફયુઅલની કિમતમાં સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક સહાય જાહેર કરે એવી તાતી જરૂરિયાત છે.
આ સંકટની ગંભીરતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતમાં એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી વધારે પ્રેશરમાં છે. સ્થિતિ એવી છે કે ફલાઈટ ઑપરેશન બંધ કરવા પડશે અથવા કામકાજ રોકી દેવું પડશે. સંસ્થાના જણાવ્યા અનુસાર એવિએશન ટર્બાઈન ફયુઅલની કિમત અતિશય વધુ છે અને કલ્પના ન કરી શકાય તે સ્તર સુધી પહોંચી ગઈ છે. આનાથી એરલાઈન્સ કંપનીઓના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશન એમ બન્ને ઑપરેશન પર સીધી અસર થઈ શકે છે.
હાલ જે કિમતો છે એની ટીકા કરતા કહ્યું હતું કે એવિએશન ટર્બાઈન ફયુઅલની સતત વધી રહેલી કિમતથી એરલાઈન્સ નેટવર્ક અસ્થિર થઈ શકે છે. સમગ્ર એરલાઈન્સ બોડીએ આગળ એવું કહ્યું હતું કે, આ સિસ્ટમ અસંતુલિત થશે તો રૂટનું આર્થિક ગણિત બગડી શકે છે.


