ફોર્મ્યુલા પાછળ દોડવાને બદલે નવી વાર્તાઓ અજમાવવી જોઈએ: સૌરભ સચદેવા

અભિનેતાએ કહ્યું- અનિશ્ચિતતા સર્જનાત્મકતા માટે તક છે, જોખમ લેવાનું બંધ કરીશું તો ફિલ્મોમાં નવીનતા ખતમ થઈ જશે

ફોર્મ્યુલા પાછળ દોડવાને બદલે નવી વાર્તાઓ અજમાવવી જોઈએ: સૌરભ સચદેવા

મુંબઈ, તા. 17:
ફિલ્મોમાં સફળતાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ન હોવા અંગે અભિનેતા સૌરભ સચદેવાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ‘એનિમલ’ અને ‘જાને જાન’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર સૌરભના મતે ફિલ્મ નિર્માતાઓએ દર્શકોની પસંદગી અંગેની અનિશ્ચિતતાને પડકાર તરીકે નહીં પરંતુ સર્જનાત્મક તક તરીકે જોવી જોઈએ.
સૌરભનું માનવું છે કે હાલના સમયમાં કઈ ફિલ્મ દર્શકોને પસંદ પડશે અને કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. તેમના મતે આ સ્થિતિ ફિલ્મ નિર્માતાઓ માટે નવી અને અલગ પ્રકારની વાર્તાઓ અજમાવવાની તક ઊભી કરે છે.
અભિનેતાએ કહ્યું કે અનિશ્ચિતતા સર્જનાત્મકતા માટે મહત્વપૂર્ણ છે. જ્યારે નિર્માતાઓને પરિણામની ખાતરી ન હોય ત્યારે તેઓ વધુ સાવધાનીપૂર્વક વિચારે છે અને કંઈક નવું રજૂ કરવાનો પ્રયાસ કરે છે. તેમના મતે અગાઉ સફળ રહેલી ફોર્મ્યુલાને વારંવાર અજમાવવાને બદલે નવી રીતો અપનાવવી વધુ યોગ્ય છે.
સૌરભે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ફિલ્મમેકર્સ જો જોખમ લેવાનું બંધ કરી દેશે તો સર્જનાત્મકતા પર તેની સીધી અસર પડશે. એક જ પ્રકારની સફળ ફોર્મ્યુલા પાછળ સતત દોડવાથી ફિલ્મોમાં નવીનતા ઘટી શકે છે અને પરિણામે દર્શકોને નબળું કન્ટેન્ટ મળવાની શક્યતા વધી શકે છે.
જોકે, સૌરભે એ વાત પણ સ્વીકારી કે ફિલ્મ ઉદ્યોગમાં સર્જનાત્મકતા અને બિઝનેસ બંને એકબીજા સાથે જોડાયેલા છે. નિર્માતાઓ ફિલ્મમાં નાણાંનું રોકાણ કરે છે અને તે રોકાણને ધ્યાનમાં રાખીને ફિલ્મનું બજેટ, કદ અને જરૂરી સંસાધનો નક્કી થાય છે. તેથી સર્જનાત્મક અભિગમ સાથે વ્યવસાયિક પાસાને પણ ધ્યાનમાં રાખવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
આ સાથે અભિનેતાએ ફિલ્મની સફળતાને માત્ર બોક્સ ઓફિસના આંકડાઓથી માપવા સામે પણ સવાલ ઉઠાવ્યો. તેમના મતે કોઈ ફિલ્મનું મૂલ્યાંકન માત્ર તેની કમાણીના આંકડાથી કરવું યોગ્ય નથી. ફિલ્મની વાર્તા, રજૂઆત અને તેની સર્જનાત્મક ગુણવત્તાને પણ મહત્વ આપવું જોઈએ.
સૌરભ સચદેવાના આ વિચારો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં સતત બદલાતા દર્શકોના ટેસ્ટને સમજવું નિર્માતાઓ માટે પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં નવી વાર્તાઓ અને નવા પ્રયોગો તરફ આગળ વધવું જ ફિલ્મ ઉદ્યોગને વધુ વૈવિધ્યસભર બનાવી શકે છે.