વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ માટે મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક
EV, ટેક્સટાઇલ, શિપિંગ, કોપર રિસાયક્લિંગ અને સ્ટીલ ક્ષેત્રે રોકાણની તકો પર ચર્ચા; AMNSએ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાનું વિઝન રજૂ કર્યું
મુંબઈ તા.3
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ દરમિયાન ગુજરાતમાં નવા રોકાણ, ઔદ્યોગિક વિસ્તરણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.
મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ ગુજરાત સાથેના પોતાના જૂના અનુભવને યાદ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રોકાણ અંગે પ્રથમ વખત આ જ રૂમમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક થઈ હતી અને તેમની દુરંદેશીથી તેઓ પ્રભાવિત થયા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં ગુજરાતમાં ભવિષ્યના રોકાણ અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EV અને GIFT સિટીમાં રહેલી તકો અંગે મહિન્દ્રા ગ્રુપ સાથે સંવાદ થયો હતો.
સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં કંપનીની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. કંપનીના વધતા આંતરરાષ્ટ્રીય વ્યવસાયને ધ્યાનમાં રાખીને વધુ સારી કનેક્ટિવિટી અને નજીકના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી. તેમણે ગુજરાતની શિપિંગ પોલિસીની પ્રશંસા કરતાં રાજ્યના ઉદ્યોગ આધારિત વિકાસના અભિગમને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
વેલ્સપન ઇન્ડિયા લિમિટેડના સીઈઓ દીપાલી ગોએન્કાએ ગુજરાતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવી તકો અંગે ચર્ચા કરી હતી. રાજ્યના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓનો લાભ લઈને નવા રોકાણ અને વિસ્તરણ સાથે નિકાસ તથા રોજગારીને વેગ આપવાની સંભાવનાઓ અંગે વિચારણા કરવામાં આવી હતી.
હિન્ડાલ્કોના એમડી સતિષ પાઈ સાથેની બેઠકમાં કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રો પર ચર્ચા થઈ હતી. ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સંભવિત રોકાણ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ દ્વારા ગુજરાતને અગ્રણી કોપર ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર સંવાદ થયો હતો.
AMNSના સીઈઓ અમિત હરલાલકાએ ગુજરાતમાં કંપનીની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમના જણાવ્યા મુજબ કંપની જૂન સુધીમાં રૂ. ૮૦,૦૦૦ કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત હજીરા ખાતે મુખ્યત્વે રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં વધારાના રૂ. ૧૦,૦૦૦ કરોડના રોકાણની યોજના છે.
AMNS દ્વારા ગુજરાતમાં ૨૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના વિઝન અંગે પણ મુખ્યમંત્રીને માહિતી આપવામાં આવી હતી.
મુંબઈમાં યોજાયેલી આ વન-ટુ-વન બેઠકો દરમિયાન EVથી લઈને સ્ટીલ, ટેક્સટાઇલ, શિપિંગ, રિસાયક્લિંગ અને રિન્યુએબલ એનર્જી સુધીના ક્ષેત્રોમાં રોકાણ અને વિસ્તરણની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.


