ગુજરાતી સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું ૮૭ વર્ષની વયે નિધન, સૂરનો એક યુગ આથમી ગયો

૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મો અને ૫૦૦થી વધુ સુગમ સંગીત રચનાઓમાં આપ્યું યોગદાન; પિતા અવિનાશ વ્યાસનો સંગીત વારસો આગવી ઓળખ સાથે આગળ વધાર્યો

ગુજરાતી સંગીતના દિગ્ગજ ગૌરાંગ વ્યાસનું ૮૭ વર્ષની વયે નિધન, સૂરનો એક યુગ આથમી ગયો

મુંબઈ, તા.૩
ગુજરાતી ફિલ્મ સંગીત અને સુગમ સંગીત જગતના દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. જાણીતા સંગીતકાર અને ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી સંગીત જગતે એક એવી પ્રતિભા ગુમાવી છે, જેણે દાયકાઓ સુધી ગુજરાતી ગીત-સંગીતને પોતાની આગવી શૈલીથી સમૃદ્ધ બનાવ્યું.
૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો પરિવાર પાસેથી મળ્યો હતો. તેમના પિતા અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીત જગતનું અગ્રગણ્ય નામ હતા. ગૌરાંગ વ્યાસે માત્ર પાંચ વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કરી સંગીત પ્રત્યેની પોતાની રુચિ દર્શાવી હતી.
જોકે, શરૂઆતમાં તેમણે સંગીતને વ્યવસાય તરીકે અપનાવવાનું નક્કી કર્યું નહોતું. ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે મુંબઈની એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી પણ શરૂ કરી હતી. પરંતુ સંગીત પ્રત્યેના ઊંડા લગાવને કારણે આખરે તેમણે નોકરી છોડીને પોતાનું જીવન સંગીતને સમર્પિત કર્યું.
ગુજરાતી ફિલ્મોમાં તેમની સફરની શરૂઆત પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે થઈ હતી. ત્યારબાદ ‘લાખો ફૂલાણી’થી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે નવી ઓળખ ઊભી કરી. પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
‘ભવની ભવાઈ’, ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’ અને ‘મૈયર માંડું નથી લાગતું’ સહિત અનેક ફિલ્મોમાં ગૌરાંગ વ્યાસનું સંગીત લોકપ્રિય બન્યું હતું. ખાસ કરીને કેતન મહેતાની વર્ષ ૧૯૮૧ની ‘ભવની ભવાઈ’ તેમના કારકિર્દીના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાંથી એક રહી હતી.
ગૌરાંગ વ્યાસે દેશના અનેક જાણીતા ગાયકોના અવાજને ગુજરાતી સંગીત સાથે જોડ્યો હતો. લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું અને તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગુજરાતી સંગીતની યાદગાર રચનાઓમાં સ્થાન ધરાવે છે. આશા ભોસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા ગાયકો પાસેથી પણ તેમણે ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતાં.
‘લાખો ફૂલાણી’માં તેમણે કિશોર કુમારના અવાજનો ઉપયોગ કર્યો હતો. આ જ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને તક આપીને ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયોપ’ જેવી રચના પણ ગુજરાતી શ્રોતાઓ સુધી પહોંચાડી હતી.
ગૌરાંગ વ્યાસનું સર્જન માત્ર ફિલ્મ સંગીત પૂરતું મર્યાદિત નહોતું. ગુજરાતી વિશ્વકોશ અનુસાર તેમણે સુગમ સંગીત ક્ષેત્રે ૫૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. રાસ-ગરબા, ભજન, લોકસંગીત, નૃત્યનાટિકા અને ટેલિવિઝન માટે પણ તેમણે નોંધપાત્ર સંગીત સર્જન કર્યું હતું.
પરંપરાગત ગુજરાતી સંગીતના મૂળને જાળવીને તેમાં નવા પ્રયોગો કરવાની તેમની આગવી શૈલી રહી હતી. ગૌરાંગ વ્યાસના નિધન સાથે ગુજરાતી સંગીત જગતના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે, પરંતુ તેમની અનેક યાદગાર રચનાઓ ગુજરાતી સંગીતપ્રેમીઓ વચ્ચે તેમનો સંગીત વારસો જીવંત રાખશે.