રૂ.100 કરોડથી વધુની ઓપનિંગ બાદ બીજા દિવસે ‘ટોક્સિક’ની કમાણીમાં 64%નો કડાકો
યશની ફિલ્મે બીજા દિવસે ભારતમાં રૂ.36.40 કરોડનું નેટ કલેક્શન કર્યું, બે દિવસની કુલ કમાણી રૂ.137.50 કરોડે પહોંચી
મુંબઈ, તા.૨૮
સાઉથ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કર્યા બાદ બીજા જ દિવસે કમાણીમાં મોટો ઘટાડો નોંધાવ્યો છે. પ્રથમ દિવસે ભારતમાં રૂ.101.10 કરોડનું નેટ કલેક્શન કરનારી ફિલ્મે બીજા દિવસે રૂ.36.40 કરોડની કમાણી કરી હતી. આમ, પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે કલેક્શનમાં લગભગ 64 ટકાનો ઘટાડો નોંધાયો છે.
બે દિવસના પ્રદર્શન બાદ ‘ટોક્સિક’નું કુલ ભારતીય નેટ કલેક્શન રૂ.137.50 કરોડ પર પહોંચી ગયું છે. ગુરુવારે દેશભરમાં ફિલ્મના 19,413 શો યોજાયા હતા અને તેની સરેરાશ ઓક્યુપેન્સી 26.6 ટકા નોંધાઈ હતી.
ખાસ વાત એ છે કે મૂળ કન્નડ ફિલ્મ હોવા છતાં ‘ટોક્સિક’નું હિન્દી વર્ઝન બોક્સ ઓફિસ પર વધુ મજબૂત દેખાવ કરી રહ્યું છે. તેલુગુ વર્ઝનમાંથી પણ ફિલ્મને નોંધપાત્ર કમાણી મળી રહી છે, જ્યારે તમિલ અને મલયાલમ વર્ઝનનો બિઝનેસ સરખામણીએ ધીમો રહ્યો છે. પ્રથમ દિવસે માત્ર હિન્દી વર્ઝને રૂ.55 કરોડ અને કન્નડ વર્ઝને રૂ.23.30 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું પ્રથમ દિવસનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂ.140 કરોડ હોવાનું જણાવાયું છે.
‘ટોક્સિક’ના બીજા દિવસના કલેક્શનની સરખામણી ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથે પણ થઈ રહી છે. અહેવાલ મુજબ રણવીર સિંહ સ્ટારર આ સિક્વલે બીજા દિવસે રૂ.80.72 કરોડનું કલેક્શન કર્યું હતું અને પ્રથમ બે દિવસમાં રૂ.226 કરોડથી વધુની કમાણી નોંધાવી હતી. જોકે, ‘ટોક્સિક’નું બીજા દિવસનું રૂ.36.40 કરોડનું કલેક્શન ‘ધુરંધર’ના પ્રથમ ભાગના બીજા દિવસના રૂ.32 કરોડના કલેક્શન કરતાં વધુ રહ્યું છે.
ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બનેલી ‘ટોક્સિક’નું નિર્માણ KVN પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં યશ ‘રાયા’ અને ‘ટિકિટ’ના દ્વિપાત્રમાં જોવા મળે છે. તેમની સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત પણ મહત્વની ભૂમિકામાં છે.
મોટા બજેટ અને ભારે ચર્ચા વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ફિલ્મમાં દર્શાવાયેલી હિંસા, બોલ્ડ દૃશ્યો અને ઈમોશનલ કનેક્ટને લઈને દર્શકોના અલગ-અલગ અભિપ્રાય સામે આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં ફિલ્મની કમાણી ફરી રફ્તાર પકડે છે કે નહીં તેના પર બોક્સ ઓફિસની નજર રહેશે.


