વડોદરામાંથી AK47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઝડપાયો
મુળ આસામના શખ્સને બસ સ્ટેન્ડ પાસેથી કારમાંથી ઉઠાવી ગુજરાત ATS દ્વારા મોટુ ઓપરેશન પાર પડાયું : ર૩ જીવતા કારતુસ પણ મળી આવ્યા
(બ્યુરો) વડોદરા તા.૨૭
વડોદરા જિલ્લાના જરોદ પોલીસ મથકની હદમાં ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. AK 47
સાથે જૈશ-એ-મોહમ્મદના આતંકીને ઝડપ્યો છે. એટલે કે જરોદ બસ સ્ટેશન પાસે ATSની ટીમે એક ચાલતી ગાડીમાંથી અત્યાધુનિક હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હથિયારોમાં ઘાતક ગણાતી AK-47 હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ કાર્યવાહી દરમ્યાન ATSએ જરોદ બસ સ્ટેશન નજીકથી એક વ્યક્તિની અટકાયત કરી છે. જે પકડાયેલો આરોપી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. હાલ ATS દ્વારા તપાસ ચાલી રહી છે. ઝડપાયેલો આરોપી મૂળ આસામનો વતની હોવાનું જાણવા મળ્યું છે અને તેની પાસેથી AK-47 ઉપરાંત ૨૩ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. હાલ ATS દ્વારા આ શખ્સ આ હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આતંકીને લઈ મહત્વનો ખુલાસો થયો છે. જાહેર સ્થળ પર આતંક ફેલાવવા હેતુથી આસામથી બસ અને ટ્રેન મારફતે આતંકી આવ્યો હતો. જે વડોદરામાં રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. છેલ્લા ૬ મહિના કરતા વધુ સમયથી ATSની ટીમ આતંકીની શોધમાં હતી. ત્યારે આજે જરોદમાં રેડ કરીને આતંકીને AK-47 રાઈફલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જે રાયફલ પડોશી રાજ્યમાંથી લાવ્યો હતો. આતંકીના મોબાઈલમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય મળી આવ્યું હતુ.


