મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBCમાં જીત્યા રૂ.1 કરોડ, પિતાની મહેનતનું ઋણ ચૂકવવાનું સપનું સાકાર

મહારાષ્ટ્રના જલગાંવના યુવાને માત્ર રૂ.24 લઈને ઘર છોડ્યું હતું, 10 વર્ષના સતત પ્રયાસ બાદ અમિતાભ બચ્ચનના શોમાં બન્યા આ સિઝનના પ્રથમ કરોડપતિ

મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBCમાં જીત્યા રૂ.1 કરોડ, પિતાની મહેનતનું ઋણ ચૂકવવાનું સપનું સાકાર

મુંબઈ તા.26
મહેનત, સંઘર્ષ અને અડગ આત્મવિશ્વાસના જોરે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ બદલી શકે છે તેનું ઉદાહરણ મહારાષ્ટ્રના જલગાંવના ભૂષણ ઠાકરેએ પૂરું પાડ્યું છે. સામાન્ય મજૂર પરિવારમાંથી આવતા ભૂષણે લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 18’માં એક કરોડ રૂપિયા જીતીને મોટી સફળતા મેળવી છે. અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત આ સીઝનના તેઓ પ્રથમ કરોડપતિ બન્યા છે.
ભૂષણનો ઉછેર જલગાંવ જિલ્લાના બલવાડી ગામમાં થયો હતો. તેમના માતા-પિતા ખેતરોમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે ભૂષણ અને તેમના નાના ભાઈના અભ્યાસમાં કોઈ કસર છોડી નહોતી. બાળપણથી જ માતા-પિતાને સતત મહેનત કરતા જોઈને ભૂષણના મનમાં એક જ વિચાર હતો કે મોટો થઈને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવી અને માતા-પિતાને સંઘર્ષભર્યા જીવનમાંથી બહાર લાવવા.
ભૂષણે પોતાના પિતાના સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું કે 55 વર્ષની ઉંમરે પણ તેમના પિતા યુવાન મજૂરોની જેમ સખત મહેનત કરતા હતા. કામ મેળવવા માટે તેમને સતત પરિશ્રમ કરવો પડતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે પિતા વર્ષો સુધી જૂનાં કપડાં પહેરીને જ કામ ચલાવતા હતા. આ બધું જોઈને ભૂષણને દુઃખ થતું હતું કે તેઓ પોતાના પિતાની મદદ કરી શકતા નથી. જોકે, પિતાએ તેમને કામ કરવાની ચિંતા છોડીને અભ્યાસ પર ધ્યાન આપવા સમજાવ્યા હતા.
પોતાનું ભવિષ્ય ઘડવા માટે ભૂષણે લગભગ દોઢ વર્ષ પહેલાં એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે નક્કી કર્યું કે જીવનમાં કંઈક હાંસલ કર્યા વિના ઘરે પાછા નહીં ફરે. આ નિર્ણય સાથે જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર રૂ.24 હતા. શરૂઆતમાં તેમને પણ સફળતા મળશે કે નહીં તેવો ડર સતાવતો હતો, પરંતુ આશાવાદ અને મહેનતના સહારે તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા.
KBCમાં પહોંચવું ભૂષણ માટે વર્ષો જૂનું સપનું હતું. તેમણે જણાવ્યું કે 2016માં 18 વર્ષની ઉંમર થતાં જ શોમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. 2020 સુધી તેમને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા નહોતા. ત્યારબાદ 2021થી 2025 દરમિયાન અનેક વખત ઓડિશન માટે તક મળી, પરંતુ અંતિમ પસંદગી થઈ શકી નહોતી. જોકે, તેમણે હાર માની નહીં અને સતત પ્રયાસ કરતા રહ્યા. આખરે આ વર્ષે તેમને KBCની હોટ સીટ પર બેસવાની તક મળી અને એક કરોડ રૂપિયાની જીત સાથે તેમનું વર્ષો જૂનું સપનું સાકાર થયું.
એક કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કેવી રીતે કરશે તે અંગે ભૂષણે જણાવ્યું કે તેઓ સૌથી પહેલાં એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે, જ્યાંથી પરિવારને નિયમિત માસિક આવક મળી શકે. આ ઉપરાંત માતા માટે સોનાનાં ઘરેણાં ખરીદવાની પણ તેમની ઇચ્છા છે. તેમણે જણાવ્યું કે માતાએ એક સમયે પિતાની કમાણીમાંથી થોડું-થોડું બચાવીને 20થી 25 ગ્રામ સોનું ભેગું કર્યું હતું, પરંતુ અભ્યાસ અને હોસ્ટેલના ખર્ચ માટે તે સોનું વેચવું પડ્યું હતું. હવે જીતેલી રકમમાંથી માતાનું આ સપનું પૂરું કરવાની તેમની ઇચ્છા છે.
માત્ર રૂ.24 લઈને ઘરેથી નીકળેલા ભૂષણ ઠાકરે સતત દસ વર્ષ સુધી KBCમાં પહોંચવાના પ્રયાસો કર્યા અને અંતે એક કરોડ રૂપિયા જીતીને પોતાની મહેનતનું પરિણામ મેળવ્યું છે. તેમની આ સફળતા પાછળ માતા-પિતાનો સંઘર્ષ, અભ્યાસ પ્રત્યેની લગન અને ક્યારેય હાર ન માનવાનો મક્કમ નિર્ધાર રહેલો છે.