બાંટવામાં ફાયર સેફટીના સાધનો વિના ફટાકડા રાખવા સબબ વેપારીની ધરપકડ : રૂા.૧૨.૨૫ લાખના ફટાકડા જપ્ત - ૩ ગોડાઉન સીલ
જૂનાગઢ તા.૨૯
બાંટવામાં પોલીસે પરવાના વગરના રૂા.૧૨.૨૫ લાખના ફટાકડા સાથે વેપારીને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બાંટવામાં જુના પોલીસ સ્ટેશન સામે લોહાણા સમાજ પાસે આવેલા ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના પરવાના કે લાયસન્સ વગર તેમજ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી વેંચાણ થાય છે. ? બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને બાંટવા પોલીસની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ૩ ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડ અને કંપનીના વિસ્ફોટક ફટાકડાના બોક્સ તથા કાર્ટુન મળી આવતા રૂપિયા ૧૨,૨૫,૮૬૮ની કિંમતનો જથ્થો કબ્જે લઈ ત્રણેય ગોડાઉનને સીલ લગાવી દીધું હતું. તપાસમાં ૬૫ વર્ષીય વેપારી સૂર્યકાંત હરીલાલ તન્ના દ્વારા માનવ જિંદગી જોખમાય તે પ્રકારે કોઈપણ સુરક્ષા વ્યવસ્થા કે રેતીની ડોલ કે સીસીટીવી વગર આ જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે સૂર્યકાંત તન્ના વિરૂદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પૂછપરછમાં વેપારીએ ફટાકડાનો જથ્થો અંબિકા ટ્રેડ લીંક મોડાસા અને આધ્યા શક્તિ ટ્રેડર્સ અમદાવાદ ખાતેથી ટેલિફોનિક મંગાવ્યો હતો. અલગ અલગ તારીખે ટ્રાન્સપોર્ટ મારફતે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.


