સ્ટાફની અછત - વધતા કાર્યબોજ સહીતનાં મુદે જૂનાગઢનાં જેટકોનાં ઈજનેરો આવતીકાલથી આંદોલનનાં માર્ગે

સ્ટાફની અછત - વધતા કાર્યબોજ સહીતનાં મુદે જૂનાગઢનાં જેટકોનાં ઈજનેરો આવતીકાલથી આંદોલનનાં માર્ગે

જૂનાગઢ તા. ર૯
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડની પેટા કંપની એવી જેટકોમાં સ્ટાફની અછત અને વધતા જતા કાર્યબોજ સામે ઈજનેરોમાં લાંબા સમયથી ધુંધવાઈ રહેલો અસંતોષ હવે આંદોલન સ્વરૂપે ભભૂકી ઉઠયો છે.
ગુજરાત ઈલેકટ્રીસીટી બોર્ડ એન્જીનીયર્સ એસો. દ્વારા જેટકો મેનેજમેન્ટની વહીવટી નીતિઓ સામે ખુલ્યો મોરચો માંડવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. એસો.નો મુખ્ય આક્ષેપ છે કે કોઈપણ પ્રકારના વધારાના નાણાંકીય લાભ આપ્યા વિના જ ઈજનેરો પર સતત વધારાનો કાર્યભાર લાદવામાં આવી રહયો છે. ગુજરાતભરમાં દર વર્ષે આશરે ૧૦૦ જેટલા નવા સબ સ્ટેશનોનો ઉમેરો થઈ રહયો છે. સામે પક્ષે સરકાર દ્વારા મંજુર થયેલા મહેકમ મુજબ પુરતા પ્રમાણમાં નવા કર્મચારીઓ કે ઈજનેરોની ભરતી કરવામાં આવતી નથી. પરીણામે હાલના સ્ટાફ પર કામનું અસહય ભારણ વધી રહયું છે. આ સ્થિતિમાં પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે એસો.ને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે મંજુર મહેકમ મુજબ તાત્કાલીક નવી ભરતી કરવામાં આવે અને વધારાના કાર્યભાર સામે યોગ્ય નાણાકીય વળતર આપવામાં આવે. આ માંગણીઓ નહી સંતોષાય તો જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઈજનેરો આવતીકાલ ૩૦ ઓકટોબરથી ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરીને વહીવટી કચેરીઓ બહાર વિરોધ નોંધાવશે. જાે તંત્ર નહી જાગે તો ૧લી નવેમ્બરથી વર્ક ટુ રૂલ અંતર્ગત કામગીરી શરૂ કરી તમામ વધારાનો કાર્યભાર પડતો મુકવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઈજનેરોની આ લડત જાે લાંબી ચાલશે તો આગામી દિવસોમાં વીજ વ્યવસ્થા પર તેની અસર પડી શકે છે.