વરસાદની અછતની અસર : પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી સૂકીભઠ્ઠ, ૩૫ થી ૪૦ વર્ષ બાદ માધવરાયજીનું મંદિર જળમગ્ન થયું નહીં
દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી પાણીમાં રહેતા મંદિરના બારેમાસ દર્શનનો લાભ, પરંતુ પિતૃતર્પણ અને ધાર્મિક વિધિઓ માટે આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ, તા.ર૯
ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે વરસાદની અછતની અસર હવે ધાર્મિક તીર્થક્ષેત્રોમાં પણ જાેવા મળી રહી છે. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં આવેલી પવિત્ર પૂર્વવાહિની સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ નહીંવત્ થઈ જતાં તીર્થની પરંપરાગત સ્થિતિ બદલાઈ ગઈ છે. દર વર્ષે ચોમાસામાં સરસ્વતી નદીના પાણીમાં મહિનાઓ સુધી જળમગ્ન રહેતું ભગવાન માધવરાયજીનું મંદિર આ વર્ષે ખુલ્લું રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશરે ૩૫થી ૪૦ વર્ષ બાદ આવી સ્થિતિ જાેવા મળી રહી છે.
પ્રાચી તીર્થનું ધાર્મિક મહત્ત્વ વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જાેડાયેલું છે. અહીં સરસ્વતી નદીમાં સ્નાન, પિતૃતર્પણ, આચમન અને પીપળાને જળ અર્પણ કરવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. ખાસ કરીને પિતૃઓના તર્પણ માટે આ સ્થળનું વિશેષ મહત્ત્વ હોવાથી વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં ધાર્મિક વિધિઓ કરવા પહોંચે છે.
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભગવાન માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. સ્થાનિક પરંપરા મુજબ, દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી મંદિર જળમગ્ન રહે છે. આ સમયગાળા દરમિયાન મંદિર પાણીમાં હોવાથી શ્રદ્ધાળુઓને દર્શનનો વિશેષ અનુભવ થાય છે. જાેકે, આ વર્ષે વરસાદની અછત અને નદીમાં પૂરનાં પાણી ન આવતાં મંદિર જળમગ્ન થયું નથી.
એક તરફ ભક્તોને ભગવાન માધવરાયજીનાં બારેમાસ દર્શનનો લાભ મળી રહ્યો છે, તો બીજી તરફ સરસ્વતી નદીમાં પાણીનો અભાવ ધાર્મિક વિધિઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. નદીમાં પૂરતું પાણી ન હોવાથી સ્નાન અને પિતૃતર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રાચી તીર્થની ઓળખ અને ધાર્મિક પરંપરાઓ સાથે સરસ્વતી નદીનું મહત્ત્વપૂર્ણ જાેડાણ છે. નદીમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહે તો શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિઓ કરવામાં સરળતા રહે. આથી સરસ્વતી નદીમાં વર્ષના ઓછામાં ઓછા આઠથી નવ મહિના સુધી મર્યાદિત પ્રમાણમાં પણ સતત પાણી રહે તેવું આયોજન કરવાની માગ ઊઠી છે.
આ માટે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા પાણીની ઉપલબ્ધતા, જળસંગ્રહ તથા નદીમાં પાણીનો પ્રવાહ જાળવી રાખવાની શક્યતાઓનો અભ્યાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની અપેક્ષા છે. પ્રાચી તીર્થ માં સરસ્વતી નદીનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે. નદીમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા થાય તો અહીં આવતા શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિઓ કરવામાં સરળતા રહે. પ્રાચી તીર્થની આ સ્થિતિ વરસાદની અછત અને જળસંકટની ગંભીરતા દર્શાવે છે. ભગવાન માધવરાયજીનાં બારેમાસ દર્શનનો લાભ ભક્તો માટે આનંદની વાત છે, પરંતુ સરસ્વતી નદીમાં ઘટેલો જળપ્રવાહ તીર્થક્ષેત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે સરસ્વતી નદીમાં પાણીની ઉપલબ્ધતા જાળવવા માટે તંત્ર દ્વારા કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકો અને શ્રદ્ધાળુઓની નજર છે.


