માંગરોળ પાલિકાની સામાન્ય સભામાં અપક્ષ સદસ્ય ઈરફાન કરૂડે કર્યા વેધક સવાલો

શહેરના બિસ્માર રસ્તાઓનું રિસર્ફેસિંગ, આઇકોનીક રોડ,  ફાયર સ્ટેશનમાંથી પિત્તળના વાલ્વ ચોરી..!, અને ખૂંટિયા હાઉસમાં કચરો ઠાલવી, પાલિકા કર્મચારીઓ આગ ચાપતા હોવાની ફરિયાદો બાબતે આકરા પ્રહારો કર્યા

માંગરોળ પાલિકાની સામાન્ય સભામાં અપક્ષ સદસ્ય ઈરફાન કરૂડે કર્યા વેધક સવાલો

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.ર૩
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પાલિકામાં ગુરુવારેની સંધ્યાએ મળેલ સામાન્ય સભા ઘણી રોચક રહી હતી. જેમા પાલિકાના વોર્ડ નંબર ૯ ના અપક્ષ સદસ્ય વકીલ ઈરફાનભાઈ કરૂડે વેધક સવાલો ઉઠાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માંગરોળના જાહેર રસ્તાઓ રિસર્ફેસિંગ કરવાની બાબતે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. શહેરના રોડ રસ્તાઓના રિસર્ફેસિંગ મા પણ વ્હાલા દવલા ની નિતિ અપનાવાતિ હોવાના આક્ષેપો કરતા  જણાવ્યું હતું કે, માંગરોળ શહેરના દરેક વોર્ડના લોકો વેરો ભરે અને રોડ રસ્તાઓ ફક્ત અમુક ચોક્કસ વિસ્તારમાં જ બનાવવામાં આવે તો એનો અર્થ એવો થયો કે "ઘરના છોકરા ઘંટી ચાટે ને બહારના લોકોને ઘી સક્કર"...! ગત વર્ષે માંગરોળ શહેરમાં જાહેર રોડ રસ્તા રિસર્ફેસિંગ ના નામે અમુક ચોક્કસ વિસ્તારોના જ રોડ રસ્તા રિસરફેસિંગ કરવામાં આવ્યા હતા અને આ વખતે ફરી તેનું પુનરાવર્તન કરવામાં ન આવે અને ગત વર્ષે જે રોડ રસ્તા રિસર્ફેસિંગમાં બાકી રહી ગયા હોય તે રોડ રસ્તા થી જ શરૂઆત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમજ વોર્ડ-૦૯ ના શિફા રોડ, લાલબાગ,પેરેડાઈઝ તથા જલારામ મંદિર વાળા રસ્તાનું તાત્કાલિક રિસર્ફેસિંગ કરવામાં આવે તેવી દરખાસ્ત ઈરફાન કરૂડ દ્વારા મુકવામાં આવી હતી અને વોર્ડ-૦૯ ના સદસ્ય મરિયમબેન હુસેન કાલવાત એ ટેકો આપ્યો હતો. આઇકોનીક રોડનું કામ કરતી એજન્સી આર્યન કન્ટ્રક્શન એ મુદત સમયમાં કામ પૂર્ણ કરેલ ન હોઈ અને કમ્પોનેટ પણ પુરા કરેલ ન હોઈ તથા તે રોડ પર લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો અને તેમાં આવતા તમામ કમ્પોનેટ ની ૩ વર્ષ સુધીની સર સંભાળની જવાબદારી આર્યન કન્ટ્રક્શન ની હોવા છતાં નગરપાલિકાના ખર્ચે તેની સ્ટ્રીટ લાઈટો કેમ રીપેર કરવામાં આવે છે..?  ખુટિયા હાઉસ ખાતે નામદાર હાઇકોર્ટનો તે જગ્યાએ કચરો નાખવા માટે મનાઈ હુકમ હોવા છતાં તે જગ્યાએ નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે અને ત્યાં આગ ચાપવામાં આવે છે અને ત્યાં આસપાસ ગુલમહોર સોસાયટી, લુહાર સોસાયટી, કોલેજ, સ્કૂલ તથા મસ્જિદ આવેલી હોઈ આ તમામ રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો,બાળકો, વૃદ્ધો તથા બીમાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જે બાબતે પણ આકરા પ્રહારો કર્યા હતા. નગરપાલિકાના જુના ફાયર ફાઇટરમાંથી આશરે દોઢ મહિના પહેલા ચોકીદાર હોવા છતાં અંદાજિત દોઢ લાખ જેવી માતબર રકમના પિત્તળના વાલ્વ ચોરી થવા અંગે ઈરફાન કરૂડે સવાલો કરતા પ્રમુખ, ચીફ ઓફિસર તથા તમામ લોકો આ બાબતે અજાણ હોવાનું જાણવા મળતા એડવોકેટ ઈરફાન કરૂડ એ આ બાબતે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવા અને પોતાની પાસે પુરાવા હોવાની પણ વાત કરતા મામલો ગરમાયો હતો.