ઘરેલુ ક્રિકેટ રમો, નહીંતર આ રીતે જ હારતા રહેશો : કપીલ દેવ

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે

ઘરેલુ ક્રિકેટ રમો, નહીંતર આ રીતે જ હારતા રહેશો : કપીલ દેવ
Celebrity Speakers India

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨
દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ૦-૨થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૧૨ મહિનામાં ભારતની ઘરઆંગણે બીજી ટેસ્ટ સીરિઝ હતી. બંને વાર ભારતીય ટીમના ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા છે. તેને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી નબળો સમય કહેવામાં આવી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે. કપિલ દેવ વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમ પર ખૂબ વરસ્યા છે. ટેસ્ટ સીરિઝમાં ભારતીય બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના સંતુલિત બોલિંગ આક્રમણ સામે સંપૂર્ણપણે ફેલ રહ્યા. ઓફ-સ્પિનર સાઈમન હાર્મરની બોલિંગનો ભારતીય બેટ્સમેનો પાસે કોઈ તોડ નહોતો અને તે પ્લેયર ઓફ ધ સીરિઝ પણ બન્યો. આ સીરિઝમાં સ્પિન સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ ઉજાગર થઈ, જેના કારણે કપિલ દેવે ટીમની તૈયારી પર સવાલ ઉઠાવ્યા છે.
કપિલ દેવે કહ્યું કે, આજના ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં અલગ-અલગ પીચ પર રમવાનું ટાળી રહ્યા છે, જ્યારે જૂની પેઢીના ખેલાડીઓ ત્યાંથી જ ટેકનિક અને માનસિક શક્તિ હાંસલ કરતા હતા. હું જાણવા માંગુ છું કે, આજના કેટલા ટોપ ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમી રહ્યા છે? જાે તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં ક્વોલિટી બોલરોનો સામનો ન કરશો, તો આંતરરાષ્ટ્રીય સ્તરે સંઘર્ષ કરતા રહેશો.
૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પીચ પર પણ નારાજગી વ્યક્ત કરી, જ્યાં મેચ ત્રણ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. કપિલ દેવે કહ્યું કે, આજકાલ T20 અને વનડે પર વધુ ફોકસ છે અને બેટ્સમેનોએ મુશ્કેલ પીચ પર રમવાની આદત ગુમાવી દીધી છે.
કપિલ દેવે કહ્યું કે, એવી પીચનો શું ફાયદો જ્યાં તમે ટોસ હારી જાઓ છો અને મેચ હારી જાઓ છો. જ્યાં કોઈ ટીમ ૨૦૦નો સ્કોર પણ પાર ન કરી શકે. આ ટેસ્ટ ક્રિકેટ માટે સારું નથી. સ્પિન અને સીમ બંનેને સપોર્ટ કરતી પીચ પર રમવા માટે ધીરજ અને અલગ સ્કિલની જરૂર પડે છે, આ બાબતો વર્તમાન ખેલાડીઓ વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગઈ છે. આ ચક્રમાં ભારતીય ટીમ નવમાંથી માત્ર ચાર મેચ જીતી શકી છે અને તેના પોઈન્ટ ટકાવારી ૪૮.૧૫ છે.