ઉના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સીટી રેવન્યુ તલાટી મંત્રી અને તેમનો વચેટિયો રૂા.૫૦,૦૦૦ની લાંચ લેતા એ. સી. બી.ના હાથે રંગે હાથ ઝડપાયા

ઉના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સીટી રેવન્યુ તલાટી મંત્રી અને તેમનો વચેટિયો રૂા.૫૦,૦૦૦ની લાંચ લેતા એ. સી. બી.ના હાથે રંગે હાથ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા. ૧૦
 ઉના શહેરમાં આવેલ મામલતદાર કચેરીના ઉપરના માળે સિટી તલાટીની કચેરીમાં ફરજ બજાવતા મૂળ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના અને હાલ ઊનામાં રહેતા જીગ્નેશભાઈ જવેરભાઈ બાંભણિયા (ઉ.વ. ૩૩) રેવન્યુ તલાટી મંત્રીએ ઊનાના એક વ્યક્તિ પાસે ફરિયાદી અને તેના કાકાની ઊના ખાતે આવેલ જમીન એકત્રીકરણ કરી આપવા રૂા. ૬૦,૦૦૦ની રકમની લાંચ માંગી હતી ગત તા. ૬/૩/ના ફરિયાદીએ રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા તેથી એસીબી કચેરીનો સંપર્ક કરતા એ. સી. બી. કચેરીના નાયબ નિયામક રાજકોટના બળદેવસિંહ વાઘેલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એ. સી. શર્મા એસીબી કચેરીના સ્ટાફ ફરિયાદીનું નિવેદન નોંધી પંચો સાથે રાખી ઊના શહેરમાં આવેલ મામલતદાર કચેરીની ઉપર આવેલ સિટી તલાટી મંત્રીની કચેરીએ ફરિયાદીને મોકલેલ અને ફરિયાદીએ તલાટી મંત્રી સાથે હેતુલક્ષી વાત ચિત કરી રૂા.૫૦,૦૦૦ આપવાનું કહેલ ત્યારે તલાટી જીગ્નેશ આ રકમ તેમની કચેરીમાં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતા રાકેશ રમેશભાઈ મજીઠીયા રે. ઊના વાળાને આપવાનું કહેતા ફરિયાદીએ વચેટિયા રાકેશ રમેશભાઈ મજીઠીયાને રોકડા રૂપિયા ૫૦,૦૦૦ આપેલ તે રકમ સ્વીકારી હતી તે સમયે એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એ. સી. શર્મા એસીબી કચેરીના સ્ટાફ વચેટીયા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને સિટી તલાટી મંત્રી જીગ્નેશ જવેરભાઈ બાંભણિયા પોતે રાજ્ય સેવકના હોદ્દાનો દૂર ઉપયોગ કરી લાંચ લેવા બદલ ગુનો દાખલ કરી તલાટી અને વચેટિયાની અટક કરી કાર્યવાહી કરી હતી.