માણાવદરમાં ઈમેજ મોબાઈલ શોપનાં સંચાલકની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા : આરોપી પણ ઈજાગ્રસ્ત

મોબાઈલ શોપનાં સંચાલકની હત્યામાં દુકાનદારની જમીનનું ભાગ્યું રાખનાર જ આરોપી નિકળ્યો

માણાવદરમાં ઈમેજ મોબાઈલ શોપનાં સંચાલકની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા : આરોપી પણ ઈજાગ્રસ્ત

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ જીલ્લાનાં માણાવદરમાં મોબાઈલ શોપનાં સંચાલકની છરીનાં ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ બનવા પામતા ભારે સનસનાટી મચી જવા પામી છે. જાે કે આ બનાવમાં આરોપીને પણ ગંભીર ઈજા પહોંચી હોય સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર માણાવદરનાં ટ્રાફીકથી સતત ધમધમતા એવા બસ સ્ટેશન રોડ પર આવેલી ઈમેજ મોબાઈલ શોપનાં સંચાલકને નિશાન બનાવીને કરવામાં આવેલા ઘાતકી છરીનાં હુમલામાં દુકાનદારનું મૃત્યું થયું હતું.
 પોલીસે આપેલી વિગત અનુસાર માણાવદરનાં બસ સ્ટેશન રોડ ઉપર આવેલા મીરા મેડીકલવાળી શેરીમાં ઈમેજ મોબાઈલની દુકાનનાં સંચાલક જસ્મીન બેચરા પર ગઈકાલે સાંજનાં સમયે પ્રવિણ ગાંગાભાઈ કોળી નામનાં શખ્સે છરી વડે હુમલો કરી અને આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ કરી જસ્મીનભાઈનું મોત નિપજાવ્યું હતું. હુમલાની આ ઘટનામાં પડાપડીમાં આરોપી પ્રવિણ બારીયાને પણ ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલીક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યો હતો. હત્યાનાં આ બનાવની જાણ થતાં જ માણાવદર પોલીસ મથકનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો. અને તપાસની કામગીરી હાથ ધરી હતી.
આ ગોજારી ઘટનાના પગલે સ્થાનિક વેપારી વર્ગ અને સામાન્ય લોકોમાં ભારે રોષ અને શોકનું મોજુ ફરી વળ્યુ હતું. વિશેષમાં મળતી વિગત અનુસાર હુમલો કરનાર માણાવદર તાલુકાનાં લીમુડા ગામનો પ્રવિણ બારીયા છે તે હાલ સારવાર હેઠળ છે. અને પ્રાથમિક તપાસમાં આરોપી મૃતકનાં ખેતરનું થોડા વર્ષો પહેલા ભાગ્યુ રાખતો હતો તેવું પણ જાણવા મળેલ છે. દરમ્યાન આ હત્યાના બનાવ અંગે માણાવદર પોલીસે મૃતકનાં ભાઈ રોહીતભાઈ મનસુખભાઈ બેચરાની ફરીયાદનાં આધારે આરોપી તરીકે પ્રવિણ ગાંગાભાઈ કોળી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પીઆઈ એમ.બી. ચૌધરી ચલાવી રહયા છે.