‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું સસ્પેન્સથી ભરપૂર ટ્રેલર રિલીઝ, વિજય સાલગાંવકર સામે આ વખતે મોટો ખતરો

‘દૃશ્યમ’ની ક્રાઈમ ગાથાના અંતિમ પ્રકરણમાં તબ્બુની બદલો લેવાની તૈયારી; જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની એન્ટ્રીથી વધ્યું સસ્પેન્સ

‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું સસ્પેન્સથી ભરપૂર ટ્રેલર રિલીઝ, વિજય સાલગાંવકર સામે આ વખતે મોટો ખતરો

મુંબઈ, તા.૧૦
અજય દેવગણની લોકપ્રિય ક્રાઈમ થ્રિલર ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘દૃશ્યમ ૩’ તરીકે ઓળખાતી આ ફિલ્મને સાલગાંવકર પરિવારની વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ક્રાઈમ અને સસ્પેન્સથી ભરેલી ગાથાનું અંતિમ પ્રકરણ ગણાવવામાં આવી રહ્યું છે. અગાઉના બંને ભાગની સફળતા બાદ હવે ત્રીજા અને અંતિમ ભાગને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ ૨ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મની કહાની સાથે ખાસ જોડાણ ધરાવતા ગોવાના પણજીમાં ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. મેકર્સે ટ્રેલર શેર કરતાં લખ્યું છે કે, “દરેક દૃશ્ય એક સવાલ છે, દરેક રાઝ એક જવાબ... આ વખતે ખતરો ખૂબ મોટો છે.” ટ્રેલરમાં વિજય સાલગાંવકર અને તેના પરિવાર માટે અગાઉ કરતાં વધુ ગંભીર પડકારો ઊભા થતા જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆત તબ્બુ અને સૌરભ શુક્લા વચ્ચેની વાતચીતથી થાય છે. તબ્બુ વિજયની કહાની આગળ કેવી રીતે વધશે તે અંગે સવાલ કરે છે. ત્યારબાદ અજય દેવગણ એટલે કે વિજય સાલગાંવકરનો અવાજ સંભળાય છે, જેમાં તે સામેના પક્ષ પાસે રહેલા કથિત મજબૂત પુરાવા અંગે સવાલ ઉઠાવે છે. બીજી તરફ શ્રિયા સરન અને ઇશિતા દત્તાના પાત્રો કેટલાક કાગળો સળગાવતા જોવા મળે છે, જેનાથી રહસ્ય વધુ ઘેરું બને છે.
રજત કપૂરનું પાત્ર પોતાના પુત્ર માટે ન્યાયની માગ કરતું જોવા મળે છે, જ્યારે તબ્બુનું પાત્ર સ્પષ્ટ શબ્દોમાં ન્યાય નહીં પરંતુ બદલો જોઈએ છે તેમ કહે છે. આ વખતે ફિલ્મમાં પ્રકાશ રાજ પણ વકીલની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં તેનું પાત્ર વિજયને હળવાશથી ન લેવાની વાત કરતું નજરે પડે છે.
ફિલ્મના અંતિમ પ્રકરણમાં જયદીપ અહલાવતની એન્ટ્રી પણ મહત્ત્વની બની છે. ટ્રેલરમાં તેને ક્રાઈમ બ્રાન્ચના SPના પાત્રમાં રજૂ કરવામાં આવ્યો છે. તેની એન્ટ્રી સાથે વિજય સાલગાંવકર અને તેના પરિવાર સામે તપાસનો નવો પડકાર ઊભો થવાના સંકેત આપવામાં આવ્યા છે.
‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’માં ફરી એક વખત વિજય પોતાના પરિવારને બચાવવા માટે કેટલી હદ સુધી જશે અને અગાઉના રહસ્યોમાંથી કયા નવા પુરાવા બહાર આવશે તેના પર કહાની કેન્દ્રિત રહેવાના સંકેત ટ્રેલરમાં મળે છે. ફાઇનલ ચેપ્ટર હોવાના કારણે મેકર્સે સસ્પેન્સ અને વિજય સામેના જોખમને અગાઉના ભાગોની સરખામણીએ વધુ મોટું દર્શાવ્યું છે.