‘મિર્ઝાપુર’માંથી ગીત હટાવી માફી માંગવા રેપરિયા બાલમની માગ, એક્સલ એન્ટરટેઇનમેન્ટને કાનૂની નોટિસનો દાવો

મહારાણા પ્રતાપને સમર્પિત ગીત મુન્ના ભૈયાના પાત્ર માટે વાપરવા સામે વાંધો; ગીતના લાઇસન્સ અને કોપીરાઇટને લઈને બંને પક્ષના અલગ-અલગ દાવા

‘મિર્ઝાપુર’માંથી ગીત હટાવી માફી માંગવા રેપરિયા બાલમની માગ, એક્સલ એન્ટરટેઇનમેન્ટને કાનૂની નોટિસનો દાવો

મુંબઈ, તા.૯
મહારાણા પ્રતાપની શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી તૈયાર કરાયેલી ‘શૂરવીર’ સિરીઝના એક ગીતનો ‘મિર્ઝાપુર’ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ગીતના ગાયક રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડા તરફથી ફિલ્મના નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મમાંથી સંબંધિત ગીત હટાવવા અને માફી માંગવાની માગ કરવામાં આવી છે.
રેપરિયા બાલમે સોશિયલ મીડિયા પર પોતાના ગીતના ઉપયોગ સામે વાંધો ઉઠાવી તેની પરવાનગી વગર ઉપયોગ થયો હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ વિવાદ વચ્ચે ટ્રુપર રેકોર્ડ્સ તરફથી નિવેદન જારી કરીને અલગ દાવો કરવામાં આવ્યો છે. ટ્રુપર રેકોર્ડ્સના જણાવ્યા પ્રમાણે ‘મિર્ઝાપુર’માં આ ગીતનો ઉપયોગ કરવા માટે એક્સલ એન્ટરટેઇનમેન્ટને સત્તાવાર રીતે પરવાનગી આપવામાં આવી હતી.
બીજી તરફ રેપરિયા બાલમના ભાઈ અને પ્રવક્તાએ ટ્રુપર રેકોર્ડ્સના દાવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે ટ્રુપર રેકોર્ડ્સ સાથે પાર્ટનરશિપ અંગેની વાતચીત સફળ થઈ નહોતી અને ત્યારબાદ ‘શૂરવીર’ સિરીઝના નવથી દસ ગીતો તૈયાર કરીને પોતાની ચેનલ પર મૂકવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે વિવાદિત ગીતના કોપીરાઇટ અશોક માંડાના નામે છે અને તેમની પાસે ગીતના લેખકની NOC પણ છે.
પ્રવક્તાએ વધુમાં દાવો કર્યો કે ટ્રુપર રેકોર્ડ્સની ચેનલ પર ગીત ઉપલબ્ધ હોવા છતાં તેના કોપીરાઇટ તેમની પાસે હોવાથી ફિલ્મમાં ઉપયોગ માટે તેમની મંજૂરી લેવી જરૂરી હતી. તેમના મતે ‘મિર્ઝાપુર’ના મેકર્સે ગીતનું લાઇસન્સ મેળવતાં પહેલાં કોપીરાઇટ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈતી હતી.
રેપરિયા બાલમના પક્ષે સૌથી મોટો વાંધો ગીતના ફિલ્મમાં કરવામાં આવેલા ઉપયોગના સંદર્ભ સામે ઉઠાવવામાં આવ્યો છે. તેમના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મહારાણા પ્રતાપને સમર્પિત આ ગીત મુન્ના ભૈયાના પાત્રને દર્શાવતી વખતે બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યું છે, જેને તેઓ રાજસ્થાનની સંસ્કૃતિ અને મહારાણા પ્રતાપના સન્માન સાથે જોડાયેલો મુદ્દો ગણાવી રહ્યા છે.
તેમણે ફિલ્મના મેકર્સ પાસે માફીની સાથે ગીતને ફિલ્મમાંથી દૂર કરવાની માગ કરી છે. જોકે ગીતના કોપીરાઇટ અને લાઇસન્સ અંગે બંને પક્ષ તરફથી અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હોવાથી આ મામલે અંતિમ કાનૂની સ્થિતિ હજુ સ્પષ્ટ થવાની બાકી છે.