‘રાકા’માં ટ્રિપલ રોલમાં જોવા મળશે અલ્લુ અર્જુન? મુંબઈનું શૂટિંગ પૂર્ણ
એટલીની સાય-ફાય એક્શન થ્રિલરમાં સાત હિરોઈનો હોવાની ચર્ચા; દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાનાની ખાસ ભૂમિકાના અહેવાલ
મુંબઈ, તા.૧
‘પુષ્પા’ ફેમ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની આગામી ફિલ્મ ‘રાકા’ને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર એટલીના દિગ્દર્શનમાં બની રહેલી આ સાય-ફાય એક્શન થ્રિલરમાં અલ્લુ અર્જુન એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ પાત્રોમાં જોવા મળી શકે છે. જોકે, તેના ટ્રિપલ રોલ અંગે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
છેલ્લા કેટલાક મહિનાથી અલ્લુ અર્જુન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘રાકા’નું મુંબઈ શેડ્યૂલ હવે પૂર્ણ થઈ ગયું છે. મુંબઈમાં શૂટિંગ પૂરું કર્યા બાદ અલ્લુ અર્જુન હૈદરાબાદમાં થોડો બ્રેક લેશે અને સપ્ટેમ્બરમાં ફરી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.
ફિલ્મમાં અલ્લુ અર્જુનના ત્રણેય પાત્રોના લૂક એકબીજાથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, આ પાત્રો વચ્ચે જ ટક્કર જોવા મળી શકે છે તેવી પણ ચર્ચા છે. આ કારણે ફિલ્મમાં અલ્લુ અર્જુનના ટ્રિપલ રોલને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી રહી છે.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘રાકા’માં કુલ સાત હિરોઈનો જોવા મળી શકે છે. દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મમાં ખાસ ભૂમિકાઓ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, તમામ અભિનેત્રીઓની ભૂમિકાઓ અંગે સંપૂર્ણ સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
દિગ્દર્શક એટલી અગાઉ પણ પોતાની ફિલ્મમાં એક જ અભિનેતાને અલગ-અલગ પાત્રોમાં રજૂ કરવાનો પ્રયોગ કરી ચૂક્યા છે. તમિલ સુપરસ્ટાર વિજય સાથેની ‘મર્સલ’માં તેમણે ટ્રિપલ રોલનો ઉપયોગ કર્યો હતો. હવે ‘રાકા’માં અલ્લુ અર્જુનને ત્રણ પાત્રોમાં રજૂ કરવામાં આવશે કે કેમ તેના પર સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.


