રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં રાજીવ કુમાર બનશે રાજા જનક? સાઈ પલ્લવીના પિતાની ભૂમિકામાં જોવા મળવાની ચર્ચા
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ બાદ કાસ્ટમાં વધુ એક નામની ચર્ચા; રાજીવ કુમારની એન્ટ્રી અંગે મેકર્સની સત્તાવાર પુષ્ટિ બાકી
મુંબઈ, તા.૧
નમિત મલ્હોત્રાના નિર્માણ અને નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ તેની સ્ટારકાસ્ટને લઈને સતત ચર્ચામાં છે. હવે ફિલ્મમાં રાજા જનકની ભૂમિકા કોણ ભજવશે તેને લઈને નવી માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ટીવી અને ફિલ્મ અભિનેતા રાજીવ કુમારને આ મહત્વપૂર્ણ પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા છે.
‘રામાયણ’માં સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળવાની છે. અહેવાલ સાચો સાબિત થાય તો રાજીવ કુમાર મોટા પડદા પર સીતાના પિતા રાજા જનકના પાત્રમાં જોવા મળશે. જોકે, આ કાસ્ટિંગ અંગે ફિલ્મના મેકર્સ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રાજીવકુમાર નાના પડદા પર અનેક ટીવી સિરિયલ્સમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી ચૂક્યા છે. ‘મિલકે ભી હમ ના મિલે’ અને ‘કભી કભી ઇત્તેફાક સે’ જેવા ટીવી પ્રોજેક્ટ્સમાં તેઓ જોવા મળ્યા છે. હવે ‘રામાયણ’માં રાજા જનકનું પાત્ર મળ્યાના અહેવાલ બાદ તેમના નામની ફરી ચર્ચા શરૂ થઈ છે.
ટીવી ઉપરાંત રાજીવ કુમાર ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂક્યા હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ તેઓ ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ સહિતના પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત ઈમરાન હાશ્મી સ્ટારર વેબ સિરીઝ ‘તસ્કરી’માં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવાયું છે.
અહેવાલો પ્રમાણે લગભગ રૂ.૪૦૦૦ કરોડના મોટા બજેટમાં તૈયાર થઈ રહેલી ‘રામાયણ’માં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટ અને મોટા પાયે થઈ રહેલા નિર્માણને કારણે પ્રોજેક્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે.
‘રામાયણ’નો પ્રથમ ભાગ આ વર્ષે ૮ નવેમ્બરે દિવાળીના અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી હોવાનું જણાવાયું છે, જ્યારે તેનો બીજો ભાગ આગામી વર્ષે દિવાળી દરમિયાન રજૂ કરવાની યોજના છે.


