તાલાળા પાસે ગત રાત્રે બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બાળકો અને મહિલાઓ સહીત ૧૪ ઈજાગ્રસ્ત

જૂનાગઢ ઉર્ષમાં જઈ રહેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા

તાલાળા પાસે ગત રાત્રે બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બાળકો અને મહિલાઓ સહીત ૧૪ ઈજાગ્રસ્ત

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૭
તાલાળા પાસે ગત રાત્રીનાં બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બનવા પામ્યો હતો. જેમાં બાળકો અને મહીલાઓ સહીત કુલ ૧૪ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર તાલાળા પાસે ગત રાત્રીનાં બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જૂનાગઢ ઉર્ષમાં જઈ રહેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતાં. જેમાં બાળકો અને મહીલાઓ સહીત ૧૪ વ્યકિતઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક તાલાળા હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયારે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા ૮ વ્યકિતઓને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતાં. રીફર કરાયેલા આ ઈજાગ્રસ્તોમાં ૪ મહીલા, ૩ બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે. તાલાળાથી આશરે પાંચ કીમી દૂર સાસણ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો જેમાં ફિરોજભાઈની રીક્ષાએ સકુર બ્લોચની રીક્ષાને ઓવર ટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. અને સામેથી આવેલી કારે ફીરોજભાઈની રીક્ષાને ટકકર મારી હતી. ટકકર બાદ રીક્ષા પાછળથી આવતી બીજી રીક્ષા સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતનાં બનાવની જાણ થતાં તાલાળા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમ્યાન તાલાળા હોસ્પીટલ ખાતે લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. પોલીસે અકસ્માતનાં બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.