પ્રિયંકા ચોપડાની ‘રીસેટ’માંથી ઓર્લાન્ડો બ્લૂમની એક્ઝિટ, હવે નવા એક્ટરની શોધ
પ્રિયંકા સાથે સહનિર્માતા તરીકે પણ જોડાયેલો હતો બ્લૂમ, એક્ઝિટ બાદ ફિલ્મના ફાઇનાન્સ અને વિતરણ સામે પડકાર
મુંબઈ, તા.૨૭
પ્રિયંકા ચોપડા જોનાસ દ્વારા નિર્મિત અને અભિનિત આગામી ફિલ્મ ‘રીસેટ’માંથી હોલીવૂડના સ્ટાર ઓર્લાન્ડો બ્લૂમની એક્ઝિટ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. બ્લૂમના ફિલ્મમાંથી બહાર થયા બાદ હવે પ્રિયંકા ચોપડા જોનાસના હીરો તરીકે ત્રણ એક્ટરના નામ પર વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ઓર્લાન્ડો બ્લૂમ આ પ્રોજેક્ટ સાથે પ્રી-પ્રોડક્શન તબક્કાથી જ જોડાયેલો હતો. તે ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત સહનિર્માતા તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવવાનો હતો. બ્લૂમના બેનર એમેઝિંગ ઓઉલ અને પ્રિયંકાના બેનર પરપલ પેબલ પિકચર્સ હેઠળ આ ફિલ્મનું નિર્માણ થવાનું હતું.
જોકે, હવે બ્લૂમની એક્ઝિટ થઈ હોવાના અહેવાલો સામે આવતા ફિલ્મની ટીમમાં નિરાશા જોવા મળી રહી છે. બ્લૂમનું નામ આ ઈન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલું હોવાથી ફિલ્મ માટે ફાઇનાન્સ મેળવવામાં સરળતા રહેવાની શક્યતા હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રીબ્યુટર શોધવામાં પણ બ્લૂમની મદદ મળી શકે તેમ હતી.
હવે બ્લૂમ ફિલ્મ સાથે જોડાયેલો ન હોવાથી નિર્માતાઓ સામે નવા પડકારો ઊભા થઈ શકે છે. ખાસ કરીને ફિલ્મ માટે ફાઇનાન્સ અને આંતરરાષ્ટ્રીય વિતરણની વ્યવસ્થા કરવી ટીમ માટે મહત્વની બની રહેશે.
‘રીસેટ’ એક સર્વાઇવલ થ્રિલર ફિલ્મ હોવાનું જાણવા મળે છે, જેનું દિગ્દર્શન મેટ્ટ મુકલેર કરી રહ્યા છે. મેટ્ટ મુકલેરની અગાઉ વર્ષ ૨૦૨૦માં ‘વાઇલ્ડ ફ્લાવર’ ફિલ્મ આવી હતી. હવે ઓર્લાન્ડો બ્લૂમની જગ્યાએ કયા એક્ટરની પસંદગી કરવામાં આવે છે અને ફિલ્મનું નિર્માણ કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર છે.


