અજય દેવગન હવે જાસૂસના અવતારમાં જોવા મળશે, ભૂષણ કુમાર સાથે નવી સ્પાય થ્રિલરની તૈયારી

મોટા બજેટની ફિલ્મમાં જોખમી ગુપ્ત મિશન પર નીકળશે અજય દેવગન, ફિલ્મની વાર્તા અને નામ અંગે વિગતો હજુ ગુપ્ત

અજય દેવગન હવે જાસૂસના અવતારમાં જોવા મળશે, ભૂષણ કુમાર સાથે નવી સ્પાય થ્રિલરની તૈયારી

મુંબઈ તા.24
અભિનેતા અજય દેવગન ફરી એકવાર નવા અવતારમાં દર્શકો સમક્ષ આવવાની તૈયારીમાં છે. આગામી ફિલ્મો અને પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં રહેલા અજય દેવગન હવે મોટા બજેટની સ્પાય થ્રિલર ફિલ્મમાં જાસૂસની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મ માટે તેમણે જાણીતા નિર્માતા અને ટી-સિરીઝના વડા ભૂષણ કુમાર સાથે હાથ મિલાવ્યા છે.
‘બોલિવૂડ હંગામા’ના અહેવાલ મુજબ, આ ફિલ્મમાં અજય દેવગન એક સ્પાય એજન્ટના પાત્રમાં જોવા મળશે, જે એક અત્યંત જોખમી ગુપ્ત મિશન પાર પાડવાની જવાબદારી સંભાળશે. ભૂષણ કુમારના પ્રોડક્શન હેઠળ બનનારા આ પ્રોજેક્ટ માટે અજય દેવગને સંમતિ આપી હોવાની માહિતી સામે આવી છે. જોકે, ફિલ્મની કથાવસ્તુ, અન્ય કલાકારો, દિગ્દર્શક અને શૂટિંગ અંગેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના સત્તાવાર નામની જાહેરાતની પણ ચાહકો રાહ જોઈ રહ્યા છે.
અજય દેવગન અને ભૂષણ કુમાર અગાઉ ‘તાન્હાજી’, ‘દ્રશ્યમ ૨’, ‘રેઇડ ૨’, ‘દે દે પ્યાર દે ૨’ અને ‘ધમાલ ૪’ સહિતના પ્રોજેક્ટ્સમાં સાથે જોડાઈ ચૂક્યા છે. હવે આ જોડી સ્પાય થ્રિલર જેવા નવા જોનરમાં સાથે કામ કરવાની તૈયારીમાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
બીજી તરફ, અજય દેવગન આગામી સમયમાં કોમેડી ફિલ્મમાં પણ જોવા મળશે. દિગ્દર્શક રોહિત શેટ્ટીની લોકપ્રિય ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીના પાંચમા ભાગ ‘ગોલમાલ ૫’માં તેઓ ફરી હાસ્યનો રંગ જમાવશે. અહેવાલ મુજબ, આ મલ્ટીસ્ટારર ફિલ્મ ૮ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આમ, સ્પાય થ્રિલરથી લઈને કોમેડી સુધીના વિવિધ પ્રકારના પાત્રો દ્વારા અજય દેવગન દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.