સંજય લીલા ભણશાળી બનાવશે નવી ઐતિહાસિક ફિલ્મ, ‘ગ્રહણ’ ફેમ રંજન ચંદેલને સોંપાશે દિગ્દર્શન
એક વર્ષથી ફિલ્મની પટકથા પર ચાલી રહ્યું છે કામ; સ્ટારકાસ્ટ અંગે હજુ કોઈ જાહેરાત નહીં, ‘લવ એન્ડ વોર’ સહિત અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત ભણશાળી
મુંબઈ, તા.૩
ફિલ્મમેકર સંજય લીલા ભણશાળી હાલમાં ‘લવ એન્ડ વોર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ નિર્માતા તરીકે પણ તેઓ એક પછી એક નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. હવે ભણશાળી એક નવી ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ‘ગ્રહણ’ ફેમ રંજન ચંદેલને સોંપવામાં આવી છે.
રંજન ચંદેલ છેલ્લા લગભગ એક વર્ષથી સંજય લીલા ભણશાળી સાથે મળીને આ ઐતિહાસિક ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. જોકે, ફિલ્મની કહાની કયા ઐતિહાસિક સમયગાળા કે વ્યક્તિ પર આધારિત હશે અને તેમાં કયા કલાકારો જોવા મળશે તે અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રંજન ચંદેલને ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ ‘ગ્રહણ’થી વિશેષ ઓળખ મળી હતી. આ સિરીઝ સત્ય વ્યાસની નવલકથા ‘ચૌરાશી’ પરથી બનાવવામાં આવી હતી. ચંદેલે વર્ષ ૨૦૧૮માં એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ ‘જાન જિગર’થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. તેઓ ફિલ્મમેકર અનુરાગ કશ્યપના સહાયક તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
બીજી તરફ, સંજય લીલા ભણશાળી હાલ ગોરેગાંવમાં ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયા બાદ આ જ લોકેશન પર ઓક્ટોબરથી મધુબાલા પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત ધનુષને મુખ્ય ભૂમિકામાં લઈને એક પૌરાણિક ફિલ્મ પણ ભણશાળીના આગામી પ્રોજેક્ટ્સમાં સામેલ હોવાનું જણાવાયું છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૭થી શરૂ કરવાની યોજના હોવાના અહેવાલ છે. આ તમામ પ્રોજેક્ટ્સ બાદ રંજન ચંદેલના દિગ્દર્શનમાં બનનારી ઐતિહાસિક ફિલ્મને આગળ વધારવામાં આવશે. જોકે, તેની સ્ટારકાસ્ટ અને શૂટિંગ શેડ્યૂલ સહિતની વિગતો માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.


